News of Wednesday, 3rd December 2025
સાયબર ગુનાઓ સામે ભારત સરકારનું મોટું કદમ : 'સસ્પેક્ટ રજિસ્ટ્રી'ની મદદથી ૨૩.૦૨ લાખ ફરિયાદોમાં રૂ. ૭,૧૩૦ કરોડ ઠગાઈમાંથી બચાવાયા
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારનો રાજ્યસભામાં ખુલાસો : ૨૪.૬૭ લાખ 'મ્યુલ એકાઉન્ટ્સ' ઓળખીને રૂ. ૮૦૩૧ કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારાયા: 'સમન્વય' પ્લેટફોર્મ દ્વારા ૧૬,૮૪૦ આરોપીઓની ધરપકડ અને ૧,૧૯,૬૨૮ અધિકારીઓને વિશેષ તાલીમ

નવી દિલ્હી : ભારતમાં સતત વધી રહેલી સાયબર ક્રાઇમની ઘટનાઓનો સામનો કરવા માટે ભારત સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વના પગલાં અને તેની સફળતા અંગે રાજ્યસભામાં મહત્ત્વની માહિતી રજૂ કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે જણાવ્યું હતું કે, 'સિટીઝન ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ' (CFCFRMS) અને 'સસ્પેક્ટ રજિસ્ટ્રી' ના અમલથી લાખો લોકોને નાણાકીય નુકસાન થતું અટકાવ્યું છે.
સાયબર ફ્રોડ મેનેજમેન્ટની સફળતા
ગૃહ મંત્રાલયે દેશમાં સાયબર ગુનાઓનો સંકલિત રીતે સામનો કરવા માટે 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) ની રચના કરી છે.
* ફંડ બચાવ: I4C હેઠળ વર્ષ ૨૦૨૧ માં લોન્ચ કરાયેલી CFCFRMS સિસ્ટમ થકી અત્યારસુધીમાં ૨૩.૦૨ લાખથી વધુ ફરિયાદોમાં રૂ. ૭,૧૩૦ કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી શકાઈ છે.
* સસ્પેક્ટ રજિસ્ટ્રી: બેંકો/નાણાકીય સંસ્થાઓના સહયોગથી I4C દ્વારા લોન્ચ કરાયેલી 'સસ્પેક્ટ રજિસ્ટ્રી' એ સાયબર ગુનેગારોના ૨૪.૬૭ લાખ લેયર ૧ 'મ્યુલ એકાઉન્ટ્સ' ઓળખી કાઢ્યા છે અને તેના થકી રૂ. ૮૦૩૧.૫૬ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ નકારવામાં આવ્યા છે.
તપાસ અને ક્ષમતા નિર્માણ
સાયબર ક્રાઇમ સામે લડવા માટે તપાસકર્તાઓ અને ન્યાયિક અધિકારીઓની ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે:
* તાલીમ: I4C હેઠળ 'સાઈટ્રેન' નામનું MOOC પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૧,૪૪,૮૯૫થી વધુ પોલીસ અધિકારીઓ/ન્યાયિક અધિકારીઓ રજિસ્ટર્ડ થયા છે, જેમાંથી ૧,૧૯,૬૨૮થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે.
* બ્લોકિંગ: ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે અત્યારસુધીમાં ૧૧.૧૪ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨.૯૬ લાખથી વધુ IMEI ને બ્લોક કરી દીધા છે.
* લેબ્સ: તપાસ અધિકારીઓને સાયબર ફોરેન્સિક તાલીમ અને સહાય પૂરી પાડવા માટે નવી દિલ્હી (૨૦૧૯) અને આસામ (૨૦૨૫) ખાતે અત્યાધુનિક 'નેશનલ સાયબર ફોરેન્સિક લેબોરેટરી (ઇન્વેસ્ટિગેશન્સ)' ની સ્થાપના કરાઈ છે. દિલ્હીની લેબોરેટરીએ ૧૨,૯૫૨થી વધુ કેસમાં સેવા પૂરી પાડી છે.
તપાસ અને ધરપકડમાં સહાય
'સમન્વય' પ્લેટફોર્મ ડેટા રિપોઝીટરી અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે:
* ધરપકડ: આ પ્લેટફોર્મ દ્વારા ૧૬,૮૪૦ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ૧,૦૫,૧૨૯ સાયબર તપાસ સહાયતા વિનંતીઓ પર કાર્યવાહી કરાઈ છે.
* ઓનલાઈન સાયબર ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર '૧૯૩૦' પણ કાર્યરત છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
