ધનબાદમાં ઝેરી ગેસ લીકેજથી હાહાકાર: એક બાળકનું મોત: અડધો ડઝનથી વધુ બીમાર! વિસ્તારને ખાલી કરવાનો આદેશ
ઝારખંડના કત્રાસ ક્ષેત્રમાં ભૂગર્ભમાં લાગેલી આગને કારણે ઝેરી ધુમાડો ફેલાયો: અંગરપથ્રા વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણની ઘટના: BCCL દ્વારા તાત્કાલિક નોટિસ જારી.

ધનબાદ : ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલ કત્રાસ ક્ષેત્રના અંગરપથ્રા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના બની હતી. અચાનક ભૂગર્ભમાં આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ગેસનો લીકેજ ઝડપથી ફેલાઈ ગયો હતો, જેના કારણે એક બાળકનું દુઃખદ મૃત્યુ થયું છે, અને બે ડઝનથી વધુ લોકો બીમાર પડ્યા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઝેરી ધુમાડો કેન્દુઆડીહ પોલીસ સ્ટેશન પાછળના રાજપૂત બસ્તી, મસ્જિદ મોહલ્લા અને આસપાસના અન્ય વિસ્તારોમાં ફેલાયો હતો, જેનાથી ૧,૦૦૦થી વધુની વસ્તી પ્રભાવિત થઈ હતી. આખો વિસ્તાર જાડા, કાળા અને તીવ્ર ધુમાડાથી છવાઈ ગયો હતો. સ્થાનિકોએ આંખમાં બળતરા, ગંભીર ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો કરી હતી. ગેસના કારણે આસપાસના બાળકો બેભાન થયા હતા અને પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને BCCL ની ટીમ તુરંત તપાસમાં જોડાઈ હતી. પ્રારંભિક તારણ મુજબ, જમીનમાં તિરાડ પડવાથી ભૂગર્ભની આગનો ધુમાડો સપાટી પર આવ્યો હતો. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને, BCCL મેનેજમેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સમગ્ર વિસ્તારને ખાલી કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે અને લાઉડસ્પીકર પર લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જાહેરાતો કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
