News of Thursday, 4th December 2025
મથુરા, જ્ઞાનવાપીમાં મંદિર જ હતું બાબરીનો સરવે કરનારનો ખુલાસો
કે.કે.મોહમ્મદને ટેમ્પલ મેન ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે : હિંદુઓને સલાહ-દરેક મસ્જિદ નીચે મંદિર જોવાનું છોડવું જોઈએ

નવી દિલ્હી,તા.૦૪: બાબરી મસ્જિદનો સરવે કરનાર એએસઆઈના પૂર્વ અધિકારી કે.કે. મોહમ્મદે કાશી અને મથુરાની બાબતમાં એક મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, કાશી અને મથુરામાં પહેલાંથી જ મંદિર હતાં. તેમણે મુસ્લિમોને સલાહ આપી કે સારા સંકેત આપતાં મુસ્લિમોએ કાશી અને જ્ઞાનવાપીની જમીન હિદુઓને આપી દેવી જોઈએ, જેથી ત્યાં મંદિર બની શકે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં મોહમ્મદને પૂછવામાં આવેલું કે શું મથુરા અને કાશી પર મુસ્લિમ પક્ષનો દાવો કોર્ટમાં ટકી શકશે? તેના જવાબમાં કેકે મોહમ્મદે કહ્યું કે હું આ બંને જગ્યા (મથુરા અને કાશી)ને ખૂબ નજીકથી ઓળખું છું. હું બંને જગ્યાએ કામ કરી ચૂક્યો છું. આ બંને જગ્યાએ પહેલાં મંદિર હતાં. એમાં કશી શંકા નથી. મથુરામાં પણ મંદિર હતું અને જ્ઞાનવાપીમાં પણ પહેલાં મંદિર જ હતું. મુસ્લિમ પક્ષનો દાવો કોર્ટમાં નહીં ટકી શકે. તેમણે કહ્યું કે મુસલમાનો માટે જેટલું મક્કા અને મદીનાનું મહત્ત્વ છે. એટલું જ મહત્ત્વ સામાન્ય હિદુ માટે જ્ઞાનવાપી (શિવજીનું મંદિર) અને મથુરા (કૃષ્ણ જન્મભૂમિ)નું છે. અયોધ્યા (રામમંદિર) તો ઓલરેડી થઈ ગયું છે. ત્રણ જગ્યાઓને મુસલમાનોએ હિદુઓને મંદિર બનાવવા માટે છોડી દેવી જોઈએ. તેમણે હિદુઓને પણ સલાહ આપી અને કહ્યું કે, દરેક મસ્જિદની નીચે મંદિર જોવાનું છોડી દેવું જોઈએ. જે મસ્જિદો પર દાવા માટે કેસ ફાઇલ કરી રહ્યા છો, તેને પણ છોડી દેવા જોઈએ.
કેકે મોહમ્મદે કરેલી કામગીરી
કેકે મોહમ્મદ એએસઆઇના સર્વેયર રહી ચૂક્યા છે. તેઓ પ્રસિદ્ધ ભારતીય પુરાતત્ત્વવિદ્ છે અને એએસઆઇના પૂર્વ ક્ષેત્રીય ડાયરેક્ટર (ઉત્તર) રહી ચૂક્યા છે. અયોધ્યામાં ખોદકામ દરમિયાન તેઓ બીબી લાલની ટીમમાં હતા, જ્યાં તેમણે રામમંદિરનાં પ્રમાણ આપ્યાં, ચંબલ ઘાટીમાં બટેશ્વર મંદિરોની પુનઃ સ્થાપનામાં તેમનું મોટું યોગદાન છે, એ કારણે તેમને ટેમ્પલ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે.(૪૦.૧૧)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
