News of Thursday, 4th December 2025
મેડિકલ સ્ટોર્સ પરના QR કોડથી હવે દવા અંગે ફરિયાદ કરી શકાશે
દવાની તમામ દુકાનોમાં QR કોડ ઉપરાંત ટોલ-ફ્રી નંબર પણ દર્શાવવો ફરજિયાત

નવી દિલ્હી,તા.૦૪: દેશભરમાં હવે દવાઓની તમામ દુકાનોમાં ક્યુઆર કોડ અને ટોલ ફ્રી નંબર દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આનાથી લોકો દવાઓની આડ અસરોની તાત્કાલિક સીધી ફરિયાદ કરી શકશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાને રિટેલ અને હોલસેલ દવાની દુકાનમાં ક્વિક રિસ્પોન્સ (QR) કોડ અને ટોલ-ફ્રી નંબર પ્રદર્શિત કરવામાં આવે તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે.
CDSCOએ જણાવ્યું હતું કે આ પગલાથી સ્વદેશી PvPI એડવર્સ ડ્રગ રિએક્શન મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જાહેર જનતા અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દવાની આડ અસરો કે બીજી કોઇ આડ ઘટનાની સરળતાથી જાણકારી આપી શકશે. આનાથી કોઇપણ વ્યક્તિ દવાની આડઅસરો વિશે અધિકારીઓને સીધી માહિતી આપી શકશે. આ અધિકારીઓ તેની તપાસ પણ કરશે.
૧૮ જૂને યોજાયેલી ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયાની ૧૬મી વર્કિગ ગ્રૂપ બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓને જારી કરાયેલા પરિપત્રમાં CDSCOએ જણાવ્યું હતું કે તમામ રાજ્ય ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ ડ્રગ લાઇસન્સિંગ સત્તાવાળાઓ દેશભરના દરેક રિટેલ અને હોલસેલ ફાર્મસી સ્ટોરમાં એક અગ્રણી સ્થાન પર નિયુક્ત મ્ય્ કોડ પ્રદર્શિત કરે તેની ખાતરી કરશે. આ ઉપરાંત દરેક મેડિકલ સ્ટોર QR કોડની સાથે ૧૮૦૦-૧૮૦-૩૦૨૪ ટોલ ફ્રી નંબર પણ સ્પષ્ટપણે દર્શાવવો પડશે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ આ આદેશના પાલન માટે તાત્કાલિક પગલાં લેવાના રહેશે. લાઇસન્સ ધરાવતા તમામ મેડિકલ સ્ટોર્સને પણ અંગેની માહિતી આપવાની રહેશે.(૪૦.૯)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
