News of Thursday, 4th December 2025
પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે અચાનક રાજીનામુ આપ્યું: તાત્કાલિક અસરથી પદભાર છોડ્યો

નવી દિલ્હી: દેશના જાહેર પ્રસારણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સરકારે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે અને તેમને તાત્કાલિક અસરથી સેવામુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે. આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા પ્રસાર ભારતી સચિવાલય દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરીને જાણ કરવામાં આવી છે. હજી એક વર્ષ બાકી હતું ત્યાં અચાનક રાજીનામું આપી દેતા ચર્ચા સર્જાયેલ છે.
સરકારી આદેશ અનુસાર, નવનીત કુમાર સેહગલે તારીખ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે નોટિસ આપી હતી. આ રાજીનામાના સંદર્ભમાં સત્તાવાર વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે, પ્રસાર ભારતી (બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) એક્ટ, ૧૯૯૦ ની કલમ ૭(૬) હેઠળ સક્ષમ સત્તાધિકારીએ તેમનું રાજીનામું મંજૂર રાખ્યું છે.
આ આદેશ સાથે જ તેમને પ્રસાર ભારતીની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે. ડાયરેક્ટર (બીએપી) એ.એમ. કુમારની સહી સાથે આ પત્ર નવનીત કુમાર સેહગલને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવનીત કુમાર સેહગલ નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી છે અને પ્રસાર ભારતીના ચેરમેન તરીકે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા.
પ્રસાર ભારતીની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ મુજબ, ૧૯૮૮ બેચના આઈએએસ અધિકારી નવનીત કુમાર સેહગલે યુપી એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (યુપીઇઆઇડીએ) ના ચેરમેન અને સીઇઓ તરીકે કામ કર્યું હતું અને ૩૦૨ કિલોમીટર લાંબા આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પ્રોજેક્ટને ૨૨ મહિનામાં પૂરો કર્યો હતો.
તેમને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીના સૌથી ભરોસાપાત્ર નોકરશાહો (બ્યુરોક્રેટ્સ) માંના એક ગણવામાં આવતા હતા. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
