<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

મદીનાથી હૈદરાબાદ જતી ફ્‌લાઇટમાં બોમ્‍બની ધમકી બાદ અમદાવાદમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગ

વિમાનમાં ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ સભ્‍યો હતા : વિમાન અમદાવાદમાં સુરક્ષિત રીતે ઉતર્યુ હતું: ફ્‌લાઈટનું સંપૂર્ણ ચેકિંગ અને સેનિટાઈઝેશન ચાલુ : પોલીસે ધમકી આપનાર પેસેન્‍જરને કસ્‍ટડીમાં લઈ લીધો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે

અમદાવાદ, તા.૪: સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ જતી ઇન્‍ડિગોની ફ્‌લાઇટ ૬ઈ ૦૫૮માં બોમ્‍બ હોવાની ધમકી મળતાં લોકો ગભરાઈ ગયા હતા. વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્‍સી લેન્‍ડિંગ કરાવવું પડ્‍યું હતું. વિમાનમાં કુલ ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ સભ્‍યો હતા.

એરપોર્ટ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ફ્‌લાઇટ દરમિયાન બોમ્‍બ હોવાની ધમકી મળી હતી, જેના પગલે તાત્‍કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)નો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. એટીસીએ સાવધાનીપૂર્વક કામ કરતા વિમાનને અમદાવાદ વાળવાનો નિર્દેશ આપ્‍યો હતો. વિમાન અમદાવાદમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

વિમાનના સલામત અને ઇમરજન્‍સી લેન્‍ડિંગ બાદ, સુરક્ષા એજન્‍સીઓ, બોમ્‍બ સ્‍ક્‍વોડ અને સીઆઈએસએફના જવાનોએ વિમાનને ઘેરી લીધું હતું અને તપાસ શરૂ કરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્‍યા હતા અને વિમાનની અંદર શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, સાઉદી અરેબિયાના મદીનાથી ઈન્‍ડિગોની ફ્‌લાઈટ ૬ઇ ૦૫૮ આજે સવારે કુલ ૧૮૦થી વધુ પેસેન્‍જર્સ અને ૬ ક્રૂ મેમ્‍બર્સ સાથે હૈદરાબાદ જવા નીકળી હતી દરમિયાન ફ્‌લાઈટ હવામાં અધ વચ્‍ચે પહોંચ્‍ચા ફ્‌લાઈટમાં સવાર એક પેસેન્‍જરે ફ્‌લાઈટના ક્રૂ મેમ્‍બરને કહ્યું કે, ‘મારી પાસે બોમ્‍બ છે અને થોડી વારમાં બ્‍લાસ્‍ટ થઈ જશે.'

આ ધમકી મળતાં જ પાઈલટે તુરંત જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ફ્‌લાઈટ ડાયવર્ટ કરી અને બપોરે લગભગ ૧૨.૩૦ વાગ્‍યે ઈમર્જન્‍સી લેન્‍ડિંગ કર્યું છે. જે બાદ ઘટનાની જાણ થતા એરપોર્ટ પર હાજર અન્‍ય યાત્રીઓમાં અરેરાટી ફેલાઈ હતી, ત્‍યારે સિકયોરિટી પ્રોટોકોલ મુજબ એરપોર્ટને હાલ હાઈ એલર્ટ પર મૂકી દેવાયો છે.

હાલ આ મામલે ફ્‌લાઈટનું સંપૂર્ણ ચેકિંગ અને સેનિટાઈઝેશન ચાલુ છે. તમામ પેસેન્‍જર્સને સુરક્ષિત રીતે એરપોર્ટ ટર્મિનલમાં લઈ જવામાં આવ્‍યા છે અને તેમની તબિયતની કાળજી લેવાઈ રહી છે, ત્‍યારે આ મામલે પોલીસે ધમકી આપનાર પેસેન્‍જરને કસ્‍ટડીમાં લઈ લીધો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે.(૨૩.૨૩)

 

 

(6:52 PM IST)