<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ગોવા-દમણથી ૨ જાસુસ પકડાયા પાકિસ્‍તાનના સંપર્કમાં હતા

ગુજરાત ATS નું સુપર-ડુપર ઓપરેશન : ગોવાથી મહિલા અને દમણથી પુરૂષ ઝડપાયોઃ બંનેની સઘન પુછપરછ શરૂ

 

નવી દિલહી, તા.૪: ગુજરાત એન્‍ટી ટેરરિઝમ સ્‍ક્‍વોડ એ રાજ્‍યમાં જાસૂસી નેટવર્ક ચલાવાતું હોવાની ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્‍યા છે. ATSએ ગોવા અને દમણમાંથી એક મહિલા સહિત બે વ્‍યક્‍તિઓને દબોચ્‍યા છે. પ્રાથમિક તપાસમાં બંને સંવેદનશીલ વિસ્‍તારોની માહિતી એકત્રિત કરીને વિદેશ સુધી પહોંચાડતા હોવાનો ખુલાસો થયો છે.

ATSએ ગોવામાંથી રશ્‍મિન રવિન્‍દ્ર પાલ નામની મહિલાને અને દમણથી એ. કે. સિંહ નામના પુરુષને પકડી પાડ્‍યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે, બંને સંવેદનશીલ શાસકીય તથા રક્ષણાત્‍મક વિસ્‍તારોની ગુપ્ત માહિતી એકત્રિત કરતા હતા અને તે માહિતીને પાકિસ્‍તાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતાં હતા.

પકડી પાડવામાં આવેલા આરોપી એ.કે. સિંહ અગાઉ ભારતીય સેના (આર્મી)માં સુબેદાર તરીકે ફરજ બજાવી ચૂકયો હોવાનો મીડીયા અહેવાલોમાં દાવો કરાયો છે. તે પાકિસ્‍તાની જાસૂસી તંત્ર સાથે સંપર્કમાં હતો તથા તેઓને આર્થિક સહાય પહોંચાડવામાં પણ મદદ કરતો હતો એવી શંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

બંને આરોપીઓ પાકિસ્‍તાન સ્‍થિત હેન્‍ડલર્સ સાથે સંપર્કમાં હતા અને જાસૂસી સંબંધિત માહિતી વહેંચતા હતા એવી પ્રાથમિક માહિતી ATSને મળી છે. હાલ બંનેની કસ્‍ટડીમાં લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો મુજબ બંને પાસેથી ડિજિટલ સાધનો, દસ્‍તાવેજો અને સંચાર વિગતો ATSએ જપ્ત કરી છે, જેની તપાસ ચાલુ છે. આ કેસ બહાર આવતાં સુરક્ષા એજન્‍સીઓ પણ સતર્ક બની છે અને આ નેટવર્કના અન્‍ય સંભવિત કડીઓને શોધવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. ATS આગામી દિવસોમાં વધુ ખુલાસા કરી શકે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને ગુજરાત એટીએસએ આતંકી ષડયંત્ર નિષ્‍ફળ બનાવ્‍યું હતું. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાંથી હૈદરાબાદ-તેલંગાણાના ત્રણ શખ્‍સોની ધરપકડ કરાઈ હતી. આતંકી પ્રવળત્તિને મૂર્ત સ્‍વરૂપ આપવા આવેલા શખ્‍સો પાસેથી શંકાસ્‍પદ સામગ્રી મળી આવી હતી. યુએપીએ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ત્રણેય શખ્‍સો ગુજરાતને અશાંત કરવાનો અને મોટી જાનહાનિ પહોંચાડવાનો ઈરાદાથી આવ્‍યા હતા. સાથે જ તેમનો હેતુ સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો હતો. (રર.૧૭)

 

 

(3:05 PM IST)