News of Thursday, 4th December 2025
કેનેડામાં આવક કરતાં જાવક વધી જતાં ભારતીયો માટે ‘ગુજરાન' ચલાવવું મુશ્કેલ
કેનેડાની કઠોર વાસ્તવિકતાઃ ‘લઘુત્તમ વેતન' અને ‘જીવનનિર્વાહ વેતન'ના છેડા વચ્ચે મેળ નથી રહ્યોઃ લઘુત્તમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે : અહીં કમાણી તો છે પરંતુ ખર્ચ અનેક ગણો વધી ગયો છે, સરકારે થોડા દિવસો પહેલા મિનિમમ વેજમાં વધારો કર્યો હતો પરંતુ તે અપૂરતો છે, કેનેડામાં વધતી મોંઘવારીથી મિનિમમ વેજ પર કામ કરતાં લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે

ટોરેન્ટો, તા.૪: એક સમય હતો જ્યારે કેનેડા, ભારતીયો માટે સુખ-સમળદ્ધિ અને સ્થિર ભવિષ્યનું પ્રતીક હતું. ત્યાં આછી-પાતળી નોકરીઓમાં પણ સારી કમાણી થઈ જતી અને ભારતમાં રહેતા પરિવારને મોકલવા જેવી નોંધપાત્ર રકમની બચત પણ થઈ જતી. પરંતુ હાલ પરિસ્થિતિમાં ભારે પલટો આવ્યો છે. કેનેડામાં ફુગાવો વધ્યો છે અને ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને લીધે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ બની ગયું છે. આવક અને ખર્ચ વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. ખાસ કરીને લઘુત્તમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
લઘુત્તમ વેતન(મિનિમમ વેજીસ)એ સરકાર દ્વારા નક્કી કરાયેલી કાયદેસરની લઘુત્તમ કલાકદીઠ મજૂરી છે, જે દરેક કર્મચારીને મળવી જ જોઈએ. જીવનનિર્વાહ વેતન(લિવિંગ વેજીસ)એ એક આંકડાકીય ગણતરી છે, જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં રહીને મકાન ભાડું, ખોરાક, પરિવહન, વીજળી-પાણી જેવી જીવન-જરૂરિયાત સેવાઓ, ફોન-ઇન્ટરનેટ જેવી સુવિધાઓ અને અન્ય મૂળભૂત ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિ કલાક કેટલી આવક જરૂરી છે. હાલમાં કેનેડાની કઠોર વાસ્તવિકતા એ છે કે લોકોને લઘુત્તમ વેતન તો મળી રહ્યું છે, પણ તે જીવનનિર્વાહ વેતનથી ઘણું ઓછું છે, જેને લીધે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ અઘરું બની ગયું છે.
અહીં ઓવર ટાઇમ કામ કરવું કોઈ નવી વાત નથી. પહેલાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેઓ પોતાની ફી જાતે ભરી દેશે તેવું વિચારીને ખુશી-ખુશી ઓવર ટાઇમ કરતા હતા. કેનેડા આવવા માટે જે લોકોની મદદ લીધી હતી, તેનો બોજ જલદીથી જલદી ઉતારી દેશે અથવા માતા-પિતાને થોડા પૈસા મોકલી દેશે, પરંતુ હવે પરિસ્થિતિ ઊલટી થઈ ગઈ છે. હવે અહીંના ખર્ચા જ ઓવર ટાઇમના ભરોસે પૂરા થઈ રહ્યા છે.
અહીં કમાણી તો છે પરંતુ ખર્ચ અનેક ગણો વધી ગયો છે. સરકારે થોડા દિવસો પહેલા મિનિમમ વેજમાં વધારો કર્યો હતો પરંતુ તે અપૂરતો છે. કેનેડામાં વધતી મોંઘવારીથી મિનિમમ વેજ પર કામ કરતાં લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં ભારતીયોની મોટી સંખ્યા છે. ઓછી આવક ધરાવતાં લોકો માટે બચત પણ મુશ્કેલ બની ગઈ છે. વિવિધ પરિસ્થિતિથી તંગ આવીને ઘણા લોકોએ સસ્તા વિસ્તારમાં ઘર શોધવાનું શરૂ કર્યું છે. કેટલાક પરિવારોએ લોન લીધી છે અને ખર્ચ પર કાપ મૂકયો છે.
હાલ કેનેડામાં રોજગારી તો મળી રહી છે પરંતુ આવક અને ખર્ચનું સંતુલન બગડી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મિનિમમ વેજ અને લિવિંગ વેજ વચ્ચે ૧૦ ડૉલરનો ગેપ નહીં ઘટે તો લોકો પર આર્થિક દબાણ વધશે. હાઉસિંગ ક્રાઈસિસ વધુ ગંભીર થશે, કંપનીઓ પર વેતન વધારવાનું દબાણ વધશે. ઉપરાંત અનેક લોકો નાના શહેરોમાં શિફ્ટ થવાનું વિચારશે.
ઓન્ટારિયો લિવિંગ વેજ નેટવર્કના ૨૦૨૫ના અહેવાલ મુજબ, ગ્રેટર ટોરોન્ટો એરિયા માટે જીવનનિર્વાહ વેતન $૨૭.૨૦ પ્રતિ કલાક છે. એની સામે, લઘુત્તમ વેતન માત્ર $૧૭.૬૦ પ્રતિ કલાક છે. એટલે કે, કલાકદીઠ આવકમાં લગભગ $૧૦ નો જબરદસ્ત તફાવત ઊભો થયો છે. GTA એ કેનેડાનો એવો પ્રદેશ છે જ્યાં ભારતીયોની વસ્તી ઘણી મોટી છે અને એમાં બ્રેમ્પટન જેવા શહેરો સામેલ છે.
ઉદાહરણ લઈને આ મુદ્દો સમજીએ. ધારો કે, એક વ્યક્તિ લઘુત્તમ વેતન પર અઠવાડિયાના ૫ દિવસ, દિવસના ૮ કલાક કામ કરે છે (અઠવાડિયે કુલ ૪૦ કલાક). તો તેનો આવક-જાવકનો હિસાબ નીચે મુજબનો થશે.
- સાપ્તાહિક આવકઃ ૪૦ કલાક થ $૧૭.૬૦ = $ ૭૦૪.
- કેનેડામાં એક મહિનાને ૪.૩૩ અઠવાડિયા ગણવામાં આવે છે, કારણ કે વર્ષમાં ૫૨ અઠવાડિયા હોય છે. એ હિસાબે જોતાં પ્રતિ મહિને થતી આવક છે- $ ૭૦૪ થ ૪.૩૩=આશરે $ ૩,૦૪૬.
- આ આવક પર લગભગ ૧૨-૧૫% કર કપાત થતો હોવાથી હાથમાં આવતો પગાર છે આશરે $ ૨,૬૫૦.
GTA મુજબ માસિક ખર્ચઃ
- મકાન ભાડું (૧-BHK): $ ૧,૯૦૦-઼૨,૩૦૦
- કરિયાણું અને ખોરાકઃ $ ૪૦૦ - $ ૫૦૦
- પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ/અંગત ફયુલ ખર્ચ) - ઼૧૫૦ - $ ૧૮૦
- ઇન્ટરનેટ/ફોનઃ ઼૧૨૦ -$ ૧૫૦
- અન્ય ખર્ચ (મેડિકલ, વગેરે) - $ ૨૦૦ - $ ૩૦૦
કુલ માસિક ખર્ચ $ ૨,૭૭૦ થી $ ૩,૪૩૦ જેટલો આવે છે, જે કર બાદની આવક ($૨,૬૫૦) કરતાં વધુ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડામાં લઘુત્તમ વેતન પર એકલ વ્યક્તિનું ગુજરાન ચલાવવું અઘરું છે, પરિવારની તો વાત જ જુદી.
લઘુત્તમ વેતન પર કામ કરતાં ભારતીયો મોટી સંખ્યામાં પ્રભાવિત થયાં છે.
લઘુત્તમ વેતન પર કામ કરતી ભારતીયોની વિશાળ વસ્તીમાં નવા ઇમિગ્રન્ટ્સ, તાજેતરમાં ગ્રેજ્યુએટ્સ થનારા યુવાનો, ઓછા શિક્ષિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નીચેના ક્ષેત્રોમાં મોટાભાગની એન્ટ્રી-લેવલ નોકરીઓમાં લઘુત્તમ વેતન જ આપવામાં આવે છે.
૧. રિટેલ સેક્ટરઃ સુપરમાર્કેટ, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનો.
૨. ફૂડ સર્વિસઃ મેકડોનાલ્ડ્સ, ટિમ હોર્ટન્સ, સબવે જેવી ફ્રેન્ચાઇઝીમાં કામ કરતા કર્મચારીઓ.
૩. વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સઃ એમેઝોન, ફેડએક્સ જેવા કેન્દ્રો.
૪. હોસ્પિટાલિટી અને ક્લીનિંગઃ હોટેલ્સ, ઓફિસ સફાઈ અને મકાન જાળવણીનું કામ.
૫. પાર્ટ-ટાઇમ વિદ્યાર્થી નોકરીઓઃ કૅફે, રેસ્ટોરન્ટ અને સેલ્સમાં કામ કરતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ.
સ્થાનિક અનુભવ, સંદર્ભો અને નેટવર્કનો અભાવ ધરાવતા નવા ઇમિગ્રન્ટ્સને પણ ઘણીવાર શરૂઆતમાં આવી જ નોકરીઓ સ્વીકારવી પડે છે.
યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસેઃ જાણો કયા કારણોસર ધરપકડનું કોઈ જોખમ નથી
આવક અને જાવક વચ્ચેની ખાઈને પહોંચી વળવા માટે લોકોને ઓવરટાઇમ કામ કરવા માટે મજબૂર થવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ અને કામદારો અઠવાડિયાના સાત દિવસ, એક કરતાં વધુ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ કે, દિવસે કોઈ કૅફેમાં અને રાત્રે સિકયોરિટી ગાર્ડ તરીકે. અગાઉ, ઓવરટાઇમ કામ કરીને વધારાની કમાણી કરવાનો ઉત્સાહ હતો; કેમ કે એમ કરવામાં બચત થતી હતી. હવે, એ માત્ર ગુજરાન ચલાવવાની ફરજ બની ગઈ છે, કેમ કે બચત કરીને પરિવારને મોકલવાનું તો દૂર, ત્યાંના અંગત ખર્ચ પણ ભાગ્યે જ પૂરા કરી શકાય છે.
લઘુત્તમ વેતન અને જીવનનિર્વાહ વેતન વચ્ચેનો ખાડો વધતો જાય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છેઃ
- મેટ્રો વિસ્તારોમાં મકાનોના ભાડાં બેફામ વધી ગયાં છે, જેને લીધે રહેણાંકનો ખર્ચ સૌથી મોટો બોજ બની જાય છે.
- ખોરાકની કિંમતોમાં ભારે વધારો થયો છે.
- પરિવહન, ગેસ, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સેવાઓની કિંમતોમાં પણ સતત વધારો થતો રહે છે.
- બાળઉછેરના ખર્ચનું દબાણ બધું ગણિત ખોરવી નાંખે છે.
- કેનેડાની સરકાર દ્વારા સમયાંતરે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તો છે, પણ ફુગાવાના સતત વધતા દર સાથે એ વધારો કદમતાલ મેળવી શકતો નથી, જેથી આ સમસ્યા વધુ ગંભીર બની છે.
રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે
કેનેડામાં હજુ પણ રોજગાર તો મળે છે, પરંતુ આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન ખોવાઈ ગયું છે. આર્થિક નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો પરિસ્થિતિ ન સુધરી તો..
- લોકો માનસિક તણાવનો શિકાર બનશે
- રહેણાંક સંકટ વધુ ગહન બનશે
- કંપનીઓ પર કામદારોના પગાર વધારવાનું દબાણ વધશે
- લોકોએ મેટ્રો શહેરોના વધુ સસ્તા વિસ્તારો અથવા નાના નગરો તરફ સ્થળાંતર કરવું પડશે. (રર.૧૪)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
