<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ઈન્ડિગો એરલાઈન્સમાં ક્યારે થશે બધું સામાન્ય? સીઈઓ પીટર એલ્બર્સે આપી મોટી અપડેટ, ૧૫ ડિસેમ્બરની 'ડેડલાઈન' જાહેર: કાલે શનિવારે એકાદ હજારથી ઓછી ફ્લાઈટો રદ કરવી પડશે: ન્યુઝ ફર્સ્ટ

એરલાઈન્સની સેવાઓ ૧૦થી ૧૫ ડિસેમ્બર વચ્ચે સંપૂર્ણપણે થાળે પડવાની શક્યતા

મુંબઈ: દેશભરના એરપોર્ટ્સ પર હજારો મુસાફરોને રઝળાવનારી ઈન્ડિગો એરલાઈન્સે હવે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને શિડ્યુલને 'રીબૂટ' કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે મુસાફરોની માફી માંગતા જણાવ્યું છે કે શનિવારે પણ ફ્લાઈટ્સ રદ થશે પરંતુ તેની સંખ્યા ૧૦૦૦થી ઓછી હશે. એરલાઈન્સની સેવાઓ ૧૦થી ૧૫ ડિસેમ્બર વચ્ચે સંપૂર્ણપણે થાળે પડવાની શક્યતા છે.

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી અંધાધૂંધી વચ્ચે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પીટર એલ્બર્સે એક વિડિયો સંદેશ દ્વારા મહત્વની જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું હતું કે શુક્રવારનો દિવસ કંપની માટે સૌથી મુશ્કેલ રહ્યો હતો, જ્યારે એક જ દિવસમાં ૧૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. મુસાફરોને પડેલી ભારે હાલાકી બદલ તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી અને માફી માંગી હતી.

સીઈઓએ સ્પષ્ટતા કરી છે કે એરલાઈન હવે તેના તમામ શિડ્યુલ અને સિસ્ટમ્સને "રીબૂટ" (પુનઃસંચાલિત) કરી રહી છે જેથી પરિસ્થિતિ સુધારી શકાય. આ સુધારાના ભાગરૂપે, શનિવારે પણ ફ્લાઈટ્સ રદ રહેશે, પરંતુ આ સંખ્યા ૧૦૦૦ની અંદર રહેવાની ધારણા છે, જે શુક્રવારની સરખામણીએ ઓછી હશે.

મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે એરલાઈન મેનેજમેન્ટને આશા છે કે ૧૦ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બરની વચ્ચે ફ્લાઈટ ઓપરેશન્સ ફરીથી સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, પાઈલટ્સની અછત, નવા 'ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન' ના નિયમો અને રોસ્ટર પ્લાનિંગમાં ખામીઓને કારણે એરલાઈન્સનું સમયપત્રક ખોરવાઈ ગયું છે, જેના ઉકેલ માટે કંપની અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ડીજીસીએ) સતત પ્રયાસ કરી રહ્યા છે.

(7:17 PM IST)