<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ટેટૂના શોખીનો ચેતી જજો: શરીર પર ત્રોફાવેલા છુંદણાંની શાહી લસિકા ગાંઠોમાં જમા થઈ ઈમ્યુન સિસ્ટમ્સની કાર્યક્ષમતા ખોરવી શકે છે

ટેટૂ કરાવતા પહેલા તેનાથી થતા આંતરિક ફેરફારો વિશે જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે: ટેટૂ માત્ર ચામડીની સજાવટ નથી પરંતુ શરીરની અંદરની જૈવિક પ્રક્રિયાઓમાં થતી દખલગીરી છે

તાજેતરમાં થયેલા એક મેડિકલ સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતા ટેટૂ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સંશોધકોના મતે ટેટૂ બનાવતી વખતે વપરાતી શાહી અને પિગમેન્ટ માત્ર ત્વચાના ઉપરના સ્તર પૂરતા સીમિત રહેતા નથી, પરંતુ તે શરીરની મહત્વપૂર્ણ લસિકા ગાંઠો (લિમ્ફ નોડ્સ) સુધી પહોંચીને ત્યાં મહિનાઓ સુધી જમા રહે છે.
ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગમાં સાબિત થયું છે કે આ જમા થયેલી શાહીને કારણે શરીરની રસીઓ સામે લડવાની ક્ષમતા બદલાઈ જાય છે, જેમાં કોવિડની રસીનો પ્રભાવ ઘટવો અને ફ્લૂની રસી સામે વધુ પડતું રિએક્શન આવવું જેવી આડઅસરોનો સમાવેશ થાય છે.
આજકાલ યુવાનોમાં શરીરના વિવિધ અંગો પર પરમેનન્ટ ટેટૂ ત્રોફાવવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે, પરંતુ વિજ્ઞાન અને તબીબી જગતમાંથી આવેલો અહેવાલ આ શોખ પર લાલ બત્તી સમાન છે. અમેરિકન જર્નલ અને વિવિધ મેડિકલ પ્લેટફોર્મ્સ પર પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ટેટૂ બનાવવાની પ્રક્રિયા દરમિયાન સોય દ્વારા ત્વચામાં દાખલ કરવામાં આવતી શાહીને શરીરનું રોગપ્રતિકારક તંત્ર એક 'બાહ્ય ઘૂસણખોર' તરીકે જુએ છે. જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ્સ આ શાહીના કણોને દૂર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે કેટલાંક કણો લસિકા તંત્ર દ્વારા વહન પામીને લિમ્ફ નોડ્સમાં એકઠા થાય છે.
વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે આ શાહી લસિકા ગાંઠોમાં લાંબા સમય સુધી પડી રહે છે, જેના કારણે લસિકા ગ્રંથિનો રંગ પણ બદલાઈ શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ શાહીની હાજરી શરીરની કુદરતી રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને ગૂંચવી નાખે છે.
સંશોધકોએ ઉંદરો પર કરેલા પરીક્ષણમાં નોંધ્યું હતું કે જે ઉંદરોને ટેટૂ હતા, તેમનામાં કોવિડ જેવી ગંભીર બીમારીની રસી આપ્યા બાદ એન્ટિબોડી બનવાની પ્રક્રિયા નબળી પડી ગઈ હતી. એટલે કે, રસીની અસરકારકતા ઘટી ગઈ હતી.
બીજી તરફ, એક વિચિત્ર તારણ એ પણ સામે આવ્યું છે કે જ્યારે આ જ ઉંદરોને ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ) ની રસી આપવામાં આવી, ત્યારે તેમના શરીરે જરૂર કરતા વધારે પડતી પ્રતિક્રિયા આપી હતી. આ બંને સ્થિતિ દર્શાવે છે કે ટેટૂની શાહી ઈમ્યુન સિસ્ટમનું સંતુલન ખોરવી નાખે છે. શરીર ક્યારે નબળું પડશે અને ક્યારે હાઈપર-એક્ટિવ થશે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.
નિષ્ણાતોના મતે ટેટૂની શાહીમાં નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને કોબાલ્ટ જેવા ભારે તત્વો હોઈ શકે છે. આ રંજકદ્રવ્યો શરીરમાં કાયમી સોજો (ઇન્ફ્લેમેશન) પેદા કરી શકે છે. લસિકા ગાંઠો શરીરના રોગપ્રતિકારક તંત્રનું મુખ્ય મથક છે, અને ત્યાં કોઈ પણ પ્રકારના બાહ્ય પદાર્થનું જમા થવું લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ સંશોધન બાદ તબીબો સલાહ આપી રહ્યા છે કે ટેટૂ કરાવતા પહેલા તેનાથી થતા આંતરિક ફેરફારો વિશે જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે, કારણ કે તે માત્ર ચામડીની સજાવટ નથી પરંતુ શરીરની અંદરની જૈવિક પ્રક્રિયાઓમાં થતી દખલગીરી છે.

(12:54 AM IST)