હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના સ્વાસ્થ્ય ક્ષેત્રે ખળભળાટ: નવજાત બાળકોને જન્મ સમયે અપાતી હેપેટાઇટિસ-બી રસીની ભલામણ રદ કરાઈ, તબીબી જગતમાં ચિંતાનું મોજું
ભવિષ્યમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધી શકે છે, જે જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે

ન્યૂયોર્ક: અમેરિકાની એક પ્રભાવશાળી રસીકરણ સલાહકાર પેનલે દાયકાઓ જૂની ભલામણને ઉલટાવીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ હવે તમામ નવજાત બાળકોને જન્મના થોડા સમય બાદ તરત જ હેપેટાઇટિસ-બીની રસી આપવામાં આવશે નહીં. આ નવા નિર્ણય અંતર્ગત હવે માત્ર એવા જ બાળકોને જન્મ સમયે રસી આપવામાં આવશે જેમની માતાનો હેપેટાઇટિસ-બી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય.
અમેરિકાના સ્વાસ્થ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર દ્વારા રસીકરણ અંગે શંકા ધરાવતા સભ્યો સાથે પુનર્ગઠિત કરાયેલી પેનલ દ્વારા લેવાયેલા આ નિર્ણયે તબીબી નિષ્ણાતોમાં લિવર કેન્સર અને વાયરસના ફેલાવાને લઈને ગંભીર ચિંતા જગાડી છે.
અમેરિકામાં રસીકરણ નીતિમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં એડવાઈઝરી કમિટી ઓન ઈમ્યુનાઈઝેશન પ્રેક્ટિસ એટલે કે એસીઆઈપી પેનલે મતદાન દ્વારા નક્કી કર્યું છે કે હેપેટાઇટિસ-બી નેગેટિવ માતાઓથી જન્મેલા બાળકોને હવે જન્મ પછી તરત જ રસીનો ડોઝ આપવો જરૂરી નથી.
આ નિર્ણય જૂન મહિનામાં અમેરિકાના સ્વાસ્થ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર દ્વારા પેનલમાં કરાયેલા ફેરફારો અને રસી વિરોધી વિચારધારા ધરાવતા સભ્યોના સમાવેશ બાદ લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હેપેટાઇટિસ-બી વાયરસના લાંબા ગાળાના ચેપને કારણે લિવર કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે અને આ વાયરસ માતામાંથી બાળકમાં ફેલાવવાનું જોખમ રહેલું હોય છે.
આ પેનલ સામાન્ય રીતે નવા પુરાવાઓના આધારે ભલામણોની સમીક્ષા કરતી હોય છે, પરંતુ આ વખતે પેનલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન નીતિ પ્રત્યેના અસંતોષને કારણે આ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. અગાઉની નીતિ મુજબ, તમામ નવજાત શિશુઓને રસી આપવાથી એક સુરક્ષા કવચ મળતું હતું, કારણ કે જો માતાના ટેસ્ટિંગમાં કોઈ ભૂલ થઈ હોય તો પણ બાળક સુરક્ષિત રહેતું હતું. પરંતુ હવે આ સુરક્ષા કવચ હટાવી લેવામાં આવ્યું છે, જેણે ઘણા રોગચાળા નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે.
હેપેટાઇટિસ નિષ્ણાત અને મેડિકલ એપિડેમિઓલોજિસ્ટ જોન વોર્ડના જણાવ્યા અનુસાર, હેપેટાઇટિસ-બી રસીકરણના વધતા વ્યાપને કારણે અમેરિકા આ રોગને નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. જોકે, તેમણે આ નવા નિર્ણય સામે ઘેરી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો એસીઆઈપી આ નીતિને રદ કરે છે, તો તે હેપેટાઇટિસ-બી નાબૂદ કરવાને બદલે તેના ફેલાવામાં ફાળો આપશે. નિષ્ણાતો માને છે કે આ ફેરફારને કારણે ભવિષ્યમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધી શકે છે, જે જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
