તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
ભારત-અમેરિકા વચ્ચે ટેરિફના સંકટ વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત : $૫૦૦ અબજના વેપાર લક્ષ્ય સાથે ૧૦ ડિસેમ્બરથી ત્રણ દિવસીય વેપાર વાર્તા
રશિયન ક્રૂડ ખરીદીના કારણે ભારતીય માલ પર લાગેલા ૨૫% શુલ્ક વચ્ચે બેઠક મહત્ત્વની : ઓક્ટોબરમાં ભારતની યુએસ નિકાસ ૮.૫૮% ઘટીને $૬.૩ અબજ થઈ : ૨૦૩૦ સુધી $૫૦૦ અબજના દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય

નવી દિલ્હી : ભારત અને અમેરિકા ૧૦ ડિસેમ્બરથી દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા અંગે ત્રણ દિવસીય વાટાઘાટો શરૂ કરવા જઈ રહ્યા છે. આ વાર્તા ૧૦ થી ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે, જોકે તેને ઔપચારિક રાઉન્ડ માનવામાં આવશે નહીં.
આ વાટાઘાટોનું નેતૃત્વ અમેરિકા તરફથી ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝર કરશે, જ્યારે ભારતીય પક્ષની આગેવાની વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી દર્પન જૈન કરી રહ્યા છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે તાજેતરમાં આશા વ્યક્ત કરી હતી કે ભારત આ વર્ષે જ ફ્રેમવર્ક ટ્રેડ ડીલ હાંસલ કરી શકશે, જેનાથી ભારતીય નિકાસકારો માટે શુલ્કનો મુદ્દો ઉકેલાઈ જશે.
વધેલા શુલ્ક અને નિકાસ પર અસર
રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી કર્યા બાદ અમેરિકન બજારમાં ભારતીય માલસામાન પર ૨૫ ટકાનો શુલ્ક અને વધારાની ૨૫ ટકા પેનલ્ટી લગાવવામાં આવી છે. આ કારણોસર આ મુલાકાત અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
નિકાસકારોના જણાવ્યા મુજબ, અમેરિકન શુલ્ક વધ્યા પછી ભારતની યુએસને થતી માલની નિકાસમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં આ નિકાસ ૮.૫૮ ટકા ઘટીને ૬.૩ અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે ચિંતાનો વિષય છે.
૨૦૩૦ સુધી $૫૦૦ અબજનો વેપાર લક્ષ્યાંક
અમેરિકા ૨૦૨૪-૨૫માં સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર મૂલ્ય ૧૩૧.૮૪ અબજ ડૉલર હતું, જેમાં ૮૬.૫ અબજ ડૉલરની ભારતીય નિકાસ સામેલ હતી.
આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૧૯૧ અબજ ડોલરથી વધારીને ૫૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ કરાર માટે છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. ભારતના કુલ માલસામાનની નિકાસમાં અમેરિકાનો હિસ્સો ૧૮ ટકા જેટલો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
