News of Saturday, 6th December 2025
પુત્રના મૃત્યુથી ભાંગી પડેલા પિતાને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને લખ્યો હતો પત્ર: જેમાં છુપાયેલું છે જીવનનું ગૂઢ સત્ય: આઈન્સ્ટાઈનનો આ સંદેશ શીખવે છે કે વ્યક્તિગત દુઃખથી ઉપર ઉઠીને જ્યારે આપણે બ્રહ્માંડ સાથેના આપણા જોડાણને સમજીએ છીએ, ત્યારે મનને સાચી શાંતિ મળે છે
૧૯૫૦માં લખાયેલો આ પત્ર માત્ર સાંત્વના સંદેશ ન હતો, પરંતુ તેમાં માનવ અસ્તિત્વ અને બ્રહ્માંડ સાથેના જોડાણની ઊંડી ફિલોસોફી હતી: આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આપણે સૌ એક અખંડ બ્રહ્માંડનો જ ભાગ છીએ અને અલગ હોવું એ માત્ર એક ભ્રમણા છે

ન્યૂયોર્ક: મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આપણે સૌ તેમના ભૌતિકશાસ્ત્રના જટિલ સિદ્ધાંતો માટે ઓળખીએ છીએ, પરંતુ તેઓ માનવ સ્વભાવ, કરુણા અને સંવેદનાઓને પણ એટલી જ ઊંડાઈથી સમજતા હતા. વિજ્ઞાનની સાથે સાથે અધ્યાત્મના તાર પણ તેમના વિચારોમાં જોવા મળતા હતા. તાજેતરમાં ચર્ચામાં આવેલો અને ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત કરાયેલો તેમનો એક ઐતિહાસિક પત્ર આ વાતની સાબિતી આપે છે.
પત્ર પાછળની કરૂણ પૃષ્ઠભૂમિ: આ ઘટના ૧૯૫૦ની સાલની છે. તે સમયે વર્લ્ડ જ્યુઈશ કોંગ્રેસના પોલિટિકલ ડિરેક્ટર તરીકે રોબર્ટ એસ. માર્કસ ફરજ બજાવતા હતા. રોબર્ટ એસ. માર્કસના જીવનમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી; તેમણે પોલીયોની બીમારીમાં તેમનો વહાલસોયો દીકરો ગુમાવ્યો હતો. યુવાન પુત્રના વિયોગમાં ડૂબેલા આ પિતાને સાંત્વના આપવા માટે આઈન્સ્ટાઈને એક પત્ર લખ્યો હતો. જોકે, આ પત્ર માત્ર એક સામાન્ય શોક સંદેશ બનીને ન રહ્યો, પરંતુ તેમાં આઈન્સ્ટાઈને જીવન, મૃત્યુ અને બ્રહ્માંડ વિશેના પોતાના ગૂઢ વિચારો રજૂ કર્યા હતા, જે આજે પણ લોકોને જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપે છે.
'આપણે બ્રહ્માંડનો જ એક અંશ છીએ': આઈન્સ્ટાઈને પત્રમાં લખ્યું હતું કે, "મનુષ્ય એ સમગ્ર બ્રહ્માંડનો જ એક ભાગ છે, જે સમય અને અવકાશમાં મર્યાદિત છે." તેમણે દુઃખી પિતાને સમજાવ્યું કે આપણે આપણી જાતને, આપણા વિચારોને અને લાગણીઓને બીજા બધાથી અલગ સમજીએ છીએ, પણ ખરેખર તો આ આપણી ચેતનાનો એક પ્રકારનો "ઓપ્ટિકલ ડિલ્યુઝન" (દ્રષ્ટિભ્રમ) છે.
તેમણે કહ્યું હતું કે આ ભ્રમણા એક પ્રકારની જેલ જેવી છે. આ ભ્રમ આપણને આપણી વ્યક્તિગત ઈચ્છાઓ અને આપણી નજીકના ગણ્યાગાંઠ્યા લોકો સુધી જ સીમિત કરી દે છે. આપણે માનીએ છીએ કે આપણે અલગ છીએ, પણ વાસ્તવમાં આપણે એક વિશાળ અસ્તિત્વનો જ હિસ્સો છીએ.
દુઃખમાંથી મુક્તિ અને કરુણાનો માર્ગ: પુત્ર ગુમાવનાર પિતાને દિશાસૂચન કરતા આઈન્સ્ટાઈને કહ્યું હતું કે, મનુષ્ય તરીકે આપણું કાર્ય આ જેલમાંથી મુક્ત થવાનું હોવું જોઈએ. આ માટે આપણે આપણી કરુણા (દયા) ના વર્તુળને વિસ્તારવું પડશે. જ્યારે આપણે માત્ર આપણા પરિવાર કે સ્નેહીજનો પૂરતા સીમિત ન રહીને, તમામ જીવંત પ્રાણીઓ અને પ્રકૃતિની સુંદરતાને સ્વીકારીશું અને પ્રેમ કરીશું, ત્યારે જ આપણે આ મર્યાદિત અસ્તિત્વના બંધનમાંથી મુક્ત થઈ શકીશું.
આ પત્ર બાદમાં 'ધ ક્વોન્ટમ એન્ડ ધ લોટસ' પુસ્તકમાં પણ પ્રકાશિત થયો હતો. આઈન્સ્ટાઈનનો આ સંદેશ શીખવે છે કે વ્યક્તિગત દુઃખથી ઉપર ઉઠીને જ્યારે આપણે બ્રહ્માંડ સાથેના આપણા જોડાણને સમજીએ છીએ, ત્યારે મનને સાચી શાંતિ મળે છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
