<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

‘ચાર ચાર બંગડી’ ફેમ સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે અને ધ્રુવિન શાહ સગાઈના બંધનમાં બંધાયા

આનંદીબેન પટેલના આશીર્વાદ અને ‘God’s Plan’ સાથે નવી સફરની શરૂઆત

ગાંધીનગર: ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ ૬ ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરીને પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય સમારંભમાં કિંજલ અને ધ્રુવિન એકબીજાને વીંટી પહેરાવી હતી. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈનો વીડિયો શેર કરી તેને ઈશ્વરની ઈચ્છા ગણાવી હતી.

 

ગુજરાતના સંગીત જગતમાં ‘ગુજરાતની કોયલ’ તરીકે જાણીતી કિંજલ દવે ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. ગઈકાલે એટલે કે ૬ ડિસેમ્બરના રોજ કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈનો રંગેચંગે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બંને પક્ષના પરિવારજનો અને નજીકના મિત્રોની સાથે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ બાદ કિંજલ અને ધ્રુવિનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

 

સોશિયલ મીડિયા પર શેર કરી ખુશી: કિંજલ દવેએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની સુંદર ક્ષણોનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં તેણે “God’s Plan” (ઈશ્વરની યોજના) લખીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી આ યુગલ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં કિંજલ અને ધ્રુવિન પારંપરિક અને સ્ટાઇલિશ અંદાજમાં ડાન્સ કરતા અને એકબીજા સાથે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

 

રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ હાજરી: આ સગાઈ સમારોહમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની હાજરી હતી. આનંદીબેન પટેલે ખાસ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. કિંજલ દવે અને તેનો પરિવાર આનંદીબેન પટેલ સાથે ઘરોબો ધરાવે છે, અને અગાઉ પણ અનેક પ્રસંગોએ કિંજલ દવે આનંદીબેન સાથે જોવા મળી છે.

 

કોણ છે કિંજલ દવેનો જીવનસાથી ધ્રુવિન શાહ? : કિંજલ દવેના જીવનસાથી બનેલા ધ્રુવિન શાહ વિશે મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. ધ્રુવિન શાહ કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. બંને પરિવારોની સહમતિથી આ સંબંધ નક્કી કરવામાં આવ્યો છે. ધ્રુવિન શાહ સોશિયલ મીડિયા લાઈમલાઈટથી થોડા દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ સગાઈના વાયરલ વીડિયોમાં તેમની અને કિંજલની કેમેસ્ટ્રી ઉડીને આંખે વળગે તેવી છે.

 

કિંજલ દવેની કારકિર્દી અને પારિવારિક પૃષ્ઠભૂમિ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરા ગામના વતની કિંજલ દવેને સંગીતનો વારસો તેમના પિતા લલિતભાઈ દવે તરફથી મળ્યો છે. લલિતભાઈ પોતે પણ ભજન અને લોકગીતોના લેખન અને ગાયન સાથે સંકળાયેલા છે. નાનપણથી જ પિતા સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતી કિંજલે ખૂબ નાની ઉંમરે પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.

 

વર્ષ ૨૦૧૬માં આવેલું તેમનું ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ સુપરહિટ સાબિત થયું હતું, જેણે કિંજલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ત્યારબાદ ‘ગોગો મારો ગોમ ધણી’, ‘લહેરી લાલો’, અને ‘મોજ મા રેવું’ જેવા અનેક સુપરહિટ ગીતો આપીને તેણે ગુજરાતીઓના દિલમાં સ્થાન જમાવ્યું છે. હાલમાં તે દેશ-વિદેશમાં લાઈવ કોન્સર્ટ કરે છે અને ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મહત્વનું યોગદાન આપી રહી છે.

 

ભૂતકાળ ભૂલીને નવી શરૂઆત: ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઈ હતી, જે પાંચ વર્ષ સુધી ટકી હતી. જોકે, ગત વર્ષે કોઈ અંગત કારણોસર તે સગાઈ તૂટી ગઈ હતી. તે સમયે કિંજલ અને તેના પરિવારે મૌન જાળવ્યું હતું. હવે, ‘God’s Plan’ લખીને કિંજલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ભૂતકાળને પાછળ છોડીને ધ્રુવિન શાહ સાથે જીવનની નવી સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છે.

(11:18 AM IST)