<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

અફઘાનિસ્તાન-પાક. સરહદ પર યુદ્ધના ભણકારા: રાતભર ગોળીબાર અને તોપમારામાં પાંચનાં મોત

યુદ્ધવિરામ છતાં બંને દેશોની સેના વચ્ચે ભીષણ અથડામણ: પાકિસ્તાન અને તાલિબાન સરકાર એકબીજા પર યુદ્ધવિરામ ભંગનો આરોપ મૂકી રહી છે, શાંતિ મંત્રણા પડી ભાંગી.

ઇસ્લામાબાદ/કાબુલ:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર શુક્રવારે આખી રાત સતત ગોળીબાર અને સામસામો તોપમારો ચાલુ રહ્યો હતો. આ ગંભીર અથડામણને કારણે બંને દેશો વચ્ચે ખુલ્લા યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી, જેમાં એક સૈનિક સહિત પાંચ લોકો માર્યા ગયા છે અને પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે. સરહદી વિસ્તારોમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. યુદ્ધ નિષ્ણાતોનું માનવું છે કે, પૂર્ણ ચંદ્રના પ્રકાશનો લાભ લઈને બંને તરફથી સ્થાનિક સેના અધિકારીઓએ 'સામાવાળા'ને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાના ઈરાદે આ જબરજસ્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે બે મહિના પૂર્વે યુદ્ધવિરામ સમજૂતી થઈ હોવા છતાં, કોઈ પણ પક્ષે તેનું પાલન કર્યું નથી. સામસામે થયેલા આ ગોળીબારને કારણે બંને દેશો વચ્ચેની શાંતિ-મંત્રણા પડી ભાંગી છે. પાકિસ્તાનના પોલીસ ઑફિસર મોહમ્મદ સાદીકે દાવો કર્યો હતો કે, "અફઘાન દળોએ સૌથી પહેલાં અમન પાસેની સરહદે ગોળીબાર શરૂ કર્યો હતો," અને તેના જવાબમાં જ પાકિસ્તાની દળોએ જવાબી કાર્યવાહી કરી. જોકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આનાથી તદ્દન વિપરીત વાત કરી.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, પાકિસ્તાને પહેલાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા અને ત્યારબાદ ગોળીબારી પણ શરૂ કરી હતી. તેથી અફઘાન દળોને વળતા હુમલા કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. જોકે, તેમણે આ સંઘર્ષ વચ્ચે પણ કહ્યું હતું કે, "અમે યુદ્ધવિરામ માટે તૈયાર જ છીએ." બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ ભંગ માટે એકબીજા પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે, જે સરહદ પરના તણાવને વધુ વધારી રહ્યું છે અને આ વિસ્તારમાં કાયમી શાંતિની શક્યતાને ધૂંધળી બનાવી રહ્યું છે.

 

(12:56 PM IST)