<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

પુતિનનો પ્રચંડ હુમલો: રશિયાએ યુક્રેન પર 653 ડ્રોન અને 51 મિસાઈલ સાથે સૈન્ય કાર્યવાહી કરી

રશિયાએ યુક્રેનના ઉર્જા માળખાને લક્ષ્યાંક બનાવીને મોટો હુમલો કર્યો: ઝાપોરિઝજિયા ન્યુક્લિયર પ્લાન્ટ વીજળી વગર રહ્યો, યુક્રેને 585 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો.

કીવ (યુક્રેન): રશિયાએ યુક્રેન પર શનિવારે એક પ્રચંડ અને સંકલિત હુમલો કર્યો હતો, જેમાં લગભગ 51 મિસાઈલ અને 653 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોટા હુમલાએ યુક્રેનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રશિયાએ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મુખ્ય લક્ષ્યાંક બનાવ્યું હતું અને તેના પાવર સ્ટેશનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે યુક્રેનના ઝાપોરિઝજિયાનું પરમાણુ મથક (Zaporizhzhia Nuclear Power Plant) કામચલાઉ ધોરણે આખી રાત વીજળી વગર રહ્યું હોવાનું ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA)ના ડિરેક્ટર જનરલ રફાલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાના ડ્રોન હુમલામાં કીવ વિસ્તારમાં આવેલું ફેસ્ટી શહેરનું ટ્રેન સ્ટેશન સળગ ગયું હતું. યુક્રેનના લશ્કરે જોકે જવાબમાં સક્રિયતા દાખવી અને લગભગ 585 ડ્રોન ખતમ કર્યા તેમજ 30 મિસાઇલ પણ આંતરી હતી. યુક્રેનના હવાઈદળે જણાવ્યું હતું કે કુલ 29 સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેનના ગૃહપ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલામાં કુલ આઠ લોકોને ઇજા થઈ છે, જેમાં કમસેકમ ત્રણ જણાને કીવમાં ઇજા પહોંચી હતી.
બીજી તરફ, રશિયાએ પણ યુક્રેનના વળતા હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમના એર ડિફેન્સે રશિયન પ્રાંતમાં પ્રવેશતા 116 યુક્રેનિયન ડ્રોન તોડયા હતા. રશિયન ટેલિગ્રામ ન્યૂઝ ચેનલ એસ્ટ્રાએ યુક્રેન દ્વારા રશિયાની રિયઝાન ઓઇલ રિફાઇનરી પર હુમલો કરાયો હોવાના અહેવાલ આપ્યા હતા અને તેની આગના ફૂટેજ પણ શેર કર્યા હતા. આ દરમિયાન, અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ લગભગ ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે સળંગ ત્રીજો દિવસ મંત્રણા કરવાના છે, ત્યારે સરહદ પરની આ હિંસા શાંતિ પ્રક્રિયાને વધુ જટિલ બનાવી રહી છે.

(12:56 PM IST)