News of Sunday, 7th December 2025
પૂર્વ એશિયામાં ભડકો: જાપાનનો આકરો દાવો – ચીની ફાઇટર જેટે અમારા વિમાનો પર 'ફાયર-કંટ્રોલ રડાર' લોક કર્યું!
ઓકિનાવા ટાપુઓ નજીક વર્ષોનો સૌથી ગંભીર મુકાબલો: સંરક્ષણ મંત્રી કોઈઝુમીએ ચીનના વર્તનનો મક્કમતાથી જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી : તાઇવાન મુદ્દે તણાવ વધ્યો

ટોક્યો : પૂર્વ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જાપાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે ઓકિનાવા ટાપુઓ નજીક બે ખતરનાક ઘટનાઓમાં ચીની ફાઇટર જેટ્સે તેના લશ્કરી વિમાનો પર ફાયર-કંટ્રોલ રડાર લોક કર્યા છે. લશ્કરી સંઘર્ષ પહેલાંનું આ સૌથી ખતરનાક પગલું ગણાય છે, કારણ કે તે સંભવિત હુમલાનો સ્પષ્ટ સંકેત આપે છે. જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીએ આ ઘટનાની નિંદા કરી અને ચીનના વર્તન સામે "મક્કમતાથી" જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.
આ અથડામણ, જે બંને દેશો દ્વારા દાવો કરાયેલા ટાપુઓ નજીક થઈ, તે વર્ષોમાં બંને સૈન્ય વચ્ચેનો સૌથી ગંભીર મુકાબલો છે. ચીની સૈન્યએ જોકે, જાપાનના આરોપોને ફગાવી દીધા છે. ચીની (પીએલએ) નૌકાદળના પ્રવક્તા કર્નલ વાંગ ઝુમેંગે દાવો કર્યો કે જાપાની વિમાનો વારંવાર ચીની નૌકાદળની નજીક આવ્યા હતા, જે કેરિયર-આધારિત ફ્લાઇટ તાલીમ ચલાવી રહી હતી. ચીને જાપાનના નિવેદનને ખોટું ગણાવ્યું અને કહ્યું કે જાપાનના પગલાંથી ફ્લાઇટની સલામતી ગંભીર રીતે જોખમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ ચેતવણી આપી હતી કે જો તાઇવાન સામે કોઈ ચીની લશ્કરી કાર્યવાહી જાપાનની સુરક્ષાને જોખમમાં મૂકશે તો જાપાન જવાબ આપશે.
તાઇવાન પર વધતા ચીન-જાપાન તણાવને કારણે બેઇજિંગે તેના નાગરિકોને જાપાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તાઇવાન, જેના પર ચીન પોતાનો દાવો કરે છે, તે જાપાનના પશ્ચિમી ટાપુ યોનાગુનીથી માત્ર ૧૧૦ કિમી (૭૦ માઇલ) દૂર છે, જે પ્રાદેશિક સુરક્ષાને અત્યંત સંવેદનશીલ બનાવે છે. આ રડાર લોકિંગની ઘટના બે પૂર્વ એશિયાઈ શક્તિઓ વચ્ચેના સંબંધોને વધુ બગાડવાની અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં ગંભીર પડકાર ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
