News of Monday, 8th December 2025
સરહદી સુરક્ષા અભેદ: રાજનાથ સિંહે ૧૨૫ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા: કહ્યું કે ઓપરેશન સિંદૂર'ની સફળતામાં મજબૂત કનેક્ટિવિટી અને રસ્તાઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા નિર્મિત ૧૨૫ જેટલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે, જે સરહદી વિસ્તારોમાં સેનાની પહોંચને વધુ મજબૂત બનાવશે.
દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સંરક્ષણ મંત્રીએ એકસાથે ૧૨૫ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે 'ઓપરેશન સિંદૂર'નો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ઓપરેશનની સફળતામાં મજબૂત કનેક્ટિવિટી અને રસ્તાઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. દુર્ગમ વિસ્તારોમાં સેનાની ત્વરિત હિલચાલ માટે આ નવા રસ્તાઓ અને પુલો ગેમ-ચેન્જર સાબિત થશે. રાજનાથ સિંહે બીઆરઓ ના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે આ માત્ર રસ્તા નથી, પણ દેશની સુરક્ષાની રેખાઓ છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારતની હરણફાળ: ઉત્પાદન ૧.૫૧ લાખ કરોડે પહોંચ્યું, ભારત હવે નિકાસકાર બન્યો
ભારત હવે સંરક્ષણ સાધનો માટે બીજા પર નિર્ભર નથી રહ્યું પણ દુનિયાને હથિયારો વેચતું થયું છે, તેમ જણાવતા રાજનાથ સિંહે દેશના આત્મનિર્ભરતાના આંકડા રજૂ કર્યા હતા.
રક્ષા મંત્રીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતના સંરક્ષણ ક્ષેત્રની કાયાપલટ થઈ ગઈ છે. ૧૦ વર્ષ પહેલા જે રક્ષા ઉત્પાદન માત્ર ૪૬,૦૦૦ કરોડ રૂપિયા હતું, તે આજે વધીને ૧.૫૧ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. એટલું જ નહીં, ભારતની રક્ષા નિકાસ (એક્સપોર્ટ) પણ ઐતિહાસિક ઉછાળા સાથે ૨૪,૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારત હવે આયાત પર નિર્ભર દેશ મટીને એક ઉભરતો ગ્લોબલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બની ગયો છે.
'ઓપરેશન સિંદૂર'માં સેનાએ અદભૂત સંયમ દાખવ્યો, દુશ્મનોને જડબાતોડ જવાબ છતાં મર્યાદા જાળવી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'ઓપરેશન સિંદૂર' અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે, આપણી સેના પાસે વધુ આક્રમક થવાની ક્ષમતા હતી, પરંતુ ભારતીય મૂલ્યોને જાળવી રાખીને અમે સંયમથી કામ લીધું હતું.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કામગીરીના વખાણ કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, પરિસ્થિતિ એવી હતી કે આપણી સેના ઘણું વધારે નુકસાન પહોંચાડી શકતી હતી અને વધુ આક્રમક પગલાં લઈ શકતી હતી. પરંતુ ભારત હંમેશા શાંતિ અને માનવતાના પક્ષધર રહ્યું છે, તેથી અમે અત્યંત સંયમ વર્ત્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની શક્તિનો ઉપયોગ કોઈને ડરાવવા માટે નહીં, પણ સુરક્ષા અને ન્યાય માટે થાય છે. સેનાના આ અભિગમની તેમણે મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
