<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ખોડલધામ મંદિરે આધ્‍યાત્‍મિક ચેતનાની નવી ઉર્જા આપી છેઃ ભુપેન્‍દ્રભાઇ

ખોડલધામ એક સંસ્‍થા નહી પરંતુ વિચાર છે, ખોડલધામ સંસ્‍થા રાષ્‍ટ્રની સેવામાં આગળ વધે તે માટે શ્રી ખોડીયાર માતાજીને પ્રાર્થના કરીએઃ નરેશભાઇ પટેલ : શ્રી ખોડલધામના આંગણે નવનિયુક્‍ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરાયું: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં હજારોની મેદની વચ્‍ચે યોજાયો સન્‍માન સમારોહ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૮ :..  શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી  મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં નવનિયુક્‍ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્‍ત મંત્રીશ્રીઓના સન્‍માન સમારોહનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરાયું હતું. આ સન્‍માન સમારોહમાં ઠેર-ઠેરથી હજારોની સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત તમામ સન્‍માનિય મહેમાનોનું પુષ્‍પવર્ષાથી અમરેલીથી સાફામાં સજ્જ થઈને આવેલી નાની બાળાઓ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરાયો હતો. કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીશ્રી અને ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા દ્વારા કરાયું હતું.

ત્‍યારબાદ શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ટ્રસ્‍ટીશ્રીઓ અને કન્‍વીનરશ્રીઓ દ્વારા સૌપ્રથમ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું હાર અને ખોડલધામનો ખેસ પહેરાવી સન્‍માન પુષ્‍પ રૂપે શિલ્‍ડ અર્પણ કરીને ભવ્‍ય સન્‍માન કરાયું હતું. ત્‍યારબાદ ટ્રસ્‍ટીશ્રીઓ અને કન્‍વીનરશ્રીઓ દ્વારા કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, નવનિયુક્‍ત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્‍ય સરકારમાં નવનિયુક્‍ત થયેલા લેઉવા પટેલ સમાજના સર્વે મંત્રીશ્રીઓ જીતુભાઈ વાઘાણી,  કૌશિકભાઈ વેકરીયા,  કમલેશભાઈ પટેલ અને પૂર્વ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનું બુકે આપી, ખોડલધામનો ખેસ પહેરાવી સન્‍માન પુષ્‍પ રૂપે શિલ્‍ડ અર્પણ કરીને ભવ્‍ય સન્‍માન કરાયું હતું. સાથે જ ખેડૂતો દ્વારા મુખ્‍યમંત્રીશ્રી અને શ્રી નરેશભાઈ પટેલનું હાર પહેરાવીને સન્‍માન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, આજે મને સન્‍માન સમારોહમાં જોડાઈને મા ખોડલના દર્શનનો વધુ એક વખત અવસર મળ્‍યો છે. ખોડલધામમાં જ્‍યારે મા ખોડલની સામે ઉભા રહીને દર્શન કરતાં હોય ત્‍યારે માતાજી સાક્ષાત આપણી સામે ઉભા હોય તેવા દર્શન થાય છે. મનમાં જે ભાવ હોય તે માતાજી પાસે માગીએ તે પૂરા કરે તેવું આ તાકાતવાળું મા ખોડલનું ધામ છે. આજનો આ સન્‍માન સમારોહ એ વાતની સાબિતી છે કે સમાજ ભાવનાથી થતાં દરેક કાર્યોમાં રાજ્‍ય સરકારને હંમેશા તમારી સાથે ઉભા રહેવાની પ્રેરણા મળે છે. ખોડલધામમાં ધર્મ અને ભક્‍તિની સાથે સમાજ સેવા અને રાષ્‍ટ્ર ભક્‍તિને પણ સમાન મહત્‍વ અપાય છે. મંદિરના પરિસરમાં સ્‍વચ્‍છતા અને પ્રાકળતિક સૌંદર્યતા એ દર્શાવે છે કે જ્‍યારે ધર્મ અને રાષ્‍ટ્રભાવના સાથે ચાલે ત્‍યારે સમાજ વધુ શક્‍તિશાળી અને સંવેદનશીલ બને છે. અહીંયા દરરોજ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ આવીને સમાજ અને રાષ્‍ટ્ર માટે સેવા આપે તે જ રાજ્‍યની વિકાસયાત્રાનો આધાર બને તેવી નેમ વ્‍યક્‍ત કરું છું. ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના તમામ પ્રયત્‍નો માટે એક મત સ્‍પષ્ટ છે- ‘સમાજ સાથે અને સમાજ માટે.' ખોડલધામ મંદિરે પાટીદારોને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના માઈ ભક્‍તોની આધ્‍યાત્‍મિક ચેતનાને નવી ઉર્જા આપી છે અને સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્‍યો છે. શિક્ષણ અને કળષિમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્‍યના વિકાસની અપાર તકો સાથે ઉભું રહ્યું છે. સ્‍પર્ધાત્‍મક પરીક્ષાથી લઈને શિક્ષણ સુધી યુવાનોને આગળ ધપાવવા માટે ખોડલધામની પહેલ ભાવિ પેઢીને શક્‍તિ આપે છે. શ્રી ખોડલધામના ણેતા શ્રી નરેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ આરોગ્‍ય ધામના પણ પ્રેરક બન્‍યા છે તે ખુશીની વાત છે. ખોડલધામ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્‍સર હોસ્‍પિટલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ માત્ર સારવારનું કેન્‍દ્ર નહીં પરંતુ દર્દી નારાયણ માટે આરોગ્‍ય સેવાનું ધામ બનશે. સંસ્‍થાઓ, સરકાર અને સામાન્‍ય નાગરિક સાથે મળીને કામ કરે ત્‍યારે જ રાષ્‍ટ્રના વિકાસમાં ઝડપ આવતી હોય છે.

 નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આ પવિત્ર પરિસરમાં આજે આપણા સમાજના નવનિયુક્‍ત ચાર મંત્રીઓ અને નવનિયુક્‍ત ભાજપ પ્રદેશ પ્રમુખને સન્‍માનિત કરવાનો અવસર મળ્‍યો છે ત્‍યારે તમામ મંત્રીઓને હું અભિનંદન પાઠવું છું. રાજ્‍યમાં આવતી કોઈપણ સમસ્‍યા હોય કે પરિસ્‍થિતિ હોય તેમાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં આપ સૌને ગુજરાતના લોકોની સેવા કરવા મા ખોડલ સક્ષમ બનાવે તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું. ખોડલધામ એક સંસ્‍થા નહીં પરંતુ વિચાર છે. ખોડલધામના સંગઠન થકી સંગઠિત બની અઢારેય વરણને સાથે રાખી ખોડલધામ સંસ્‍થા રાષ્‍ટ્રની સેવામાં આગળ વધે તેવી આપણે સૌ મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરીએ.

કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્‍યું હતું કે, શ્રી નરેશભાઈ પટેલે અને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટે આ સન્‍માન સમારોહમાં સૌને એકત્રિત કરવાનો જે ઙ્કયાસ કર્યો છે તે એક સંદેશ છે. જેનાથી મંત્રીમંડળમાં સ્‍થાન મેળવનાર તમામને એક ઙ્કોત્‍સાહન મળશે. કાર્યક્રમમાં સમય ફાળવીને ઉપસ્‍થિત રહેનાર સમાજના તમામ ભાઈઓ-બહેનો અને આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરું છું.

રાજ્‍ય સરકારના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, મા ખોડલના ધામમાં આપણે સૌ દર્શન કરીને પાવન થઈએ છીએ. આધ્‍યાત્‍મિકની સાથે આરોગ્‍ય, શિક્ષણ અને સમાજના સંગઠન થકી સમાજને આપણે ઉપયોગી થઈ શકીએ તે માટે શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામનો પાયો નાખ્‍યો. મા ખોડલના ધામમાં સમાજની વચ્‍ચે અમારું સન્‍માન થતું હોય એ અમારા માટે ગૌરવની ક્ષણ છે અને આ સન્‍માનથી અમને નવું બળ અને પ્રોત્‍સાહન મળે છે. આપણો સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલતો સમાજ છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, આજ રોજ નવનિયુક્‍ત મંત્રીશ્રીઓ સહિત મારું સ્‍વાગત અને સન્‍માન શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા કરાયું છે તે બદલ હું સમગ્ર ખોડલધામની ટીમનો આભારી છું. સામાજિક અને રાજકીય ક્ષેત્રે સેવા કરતાં શ્રેષ્ઠીઓના સન્‍માનનો સંદેશ સમગ્ર ગુજરાતમાં ફેલાતો હોય છે અને દરેક સમાજ અને સંસ્‍થાની અંદર આ એકતાનો સંદેશ પહોંચતો હોય છે. સરદાર સાહેબનું જે વિઝન હતું તેની અસર આજે મને સમાજના શ્રેષ્ઠીઓ ઉપર દેખાઈ રહી છે. ગામમાં કોઈપણ પ્રશ્નો હોય તેને હલ કરવાની અને ગામના સૌ સમાજને સાથે બેસાડીને જમાડી શકવાની સૂઝબૂઝ આ પટેલ સમાજમાં છે. પટેલ સમાજ આજે દરેક ક્ષેત્રમાં આગેવાની લઈને આગળ વધી રહ્યો છે.

આ સન્‍માન સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્‍ટીશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્‍ય, શહેર, વોર્ડ, સોસાયટીના કન્‍વીનરશ્રીઓ અને તેમની ટીમ, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડની વિવિધ સમિતિઓ, રાજકીય, સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપના સભ્‍યો અને બહોળી સંખ્‍યામાં ભાઈઓ-બહેનો મળી કુલ ૧૮ હજારથી વધુ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્‍ટીશ્રી દિનેશભાઈ કુંભાણી દ્વારા કરાઈ હતી. કાર્યક્રમના અંતે ખોડલધામની પ્રણાલી પ્રમાણે સૌએ સાથે નેશનલ એન્‍થમનું ગાન કર્યું હતું. ત્‍યારબાદ સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો.

(11:29 AM IST)