News of Monday, 8th December 2025
મોદી સરકારમાં રેલ્વેમાં રોજગાર વધ્યો: ૧૦ વર્ષમાં ૫.૦૮ લાખ ભરતી!
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો લોકસભામાં દાવો: માત્ર ૨૦૨૪-૨૦૨૫માં જ ૧.૨૦ લાખથી વધુ નવી ખાલી જગ્યાઓ માટે બહાર પડ્યા જાહેરનામા

નવી દિલ્હી: કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં ભારતીય રેલ્વેમાં રોજગાર અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેએ કેલેન્ડર વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન કુલ ૧,૨૦,૫૭૯ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જે રેલ્વે દ્વારા સતત ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું દર્શાવે છે.
યુપીએ શાસન કરતાં વધુ ભરતી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૪-૨૫ સુધીના ૧૦ વર્ષના ગાળામાં વિવિધ જગ્યાઓ પર કુલ ૫.૦૮ લાખ લોકોને રોજગારી આપી છે. આ આંકડો અગાઉના યુપીએ શાસનકાળ (૨૦૦૪-૦૫ થી ૨૦૧૩-૧૪) દરમિયાન થયેલી ૪.૧૧ લાખ ભરતીઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ તુલનાત્મક આંકડાઓ દર્શાવે છે કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન રેલ્વે ક્ષેત્રે વધુ લોકોને નોકરીઓ મળી છે.
ભરતી પ્રક્રિયા અને પારદર્શિતા
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા ભરતી પ્રક્રિયા ખૂબ જ ટેકનિકલ અને પડકારજનક હોય છે, જેમાં મોટા પાયે સ્ટાફ અને સંસાધનોની તૈનાતી અને તાલીમની જરૂર પડે છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે રેલ્વેએ તમામ પડકારોનો સામનો કરીને, તમામ નિર્ધારિત માર્ગદર્શિકાઓનું પાલન કરીને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે દાવો કર્યો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ પેપર લીક કે તેના જેવી અનિયમિતતા જોવા મળી નહોતી.
૨૦૨૪-૨૦૨૫માં ભરતીની વિગતો:
વર્ષ ૨૦૨૪: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), જુનિયર એન્જિનિયર (JE), પેરામેડિકલ, નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC-ગ્રેજ્યુએટ્સ), અને લેવલ-૧ કેટેગરીઝ (જેમ કે આસિસ્ટન્ટ, ટ્રેક મેન્ટેનર, પોઈન્ટ્સમેન) સહિત ૯૨,૧૧૬ જગ્યાઓ માટે ૧૦ સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (CEN) જાહેર કરાયા હતા.
વર્ષ ૨૦૨૫: વાર્ષિક કેલેન્ડર મુજબ, વધુ ૨૮,૪૬૩ ખાલી જગ્યાઓ માટે ૭ સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન (CEN) જારી કરવામાં આવ્યા છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
