તા. ૧૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 9th December 2025
ઇન્ડિગોને મોટો આંચકો : ડીજીસીએ સખ્ત મૂડમાં : કુલ શેડ્યૂલની ૫% (૧૧૦) ફ્લાઇટ્સ છીનવીને સ્પાઇસજેટ-આકાસા જેવી એરલાઇન્સને આપવાની યોજના
નવા FDTL નિયમો, ખરાબ હવામાન અને કન્જેશન સહિતના પાંચ કારણો આપી ઇન્ડિગોનું માફીનામું : જરૂર પડ્યે કાપ ૧૦% સુધી જઈ શકે છે : DGCA એ CEO પીટર એલ્બર્સ અને COO ઇસિડ્રે પોરક્વેરાસને તલબ કર્યા

નવી દિલ્હી, તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ : ઇન્ડિગો એરલાઇન્સનું ઓપરેશનલ સંકટ એક સપ્તાહથી વધુ સમયથી યથાવત્ રહેતા ભારતીય એરલાઇન્સ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. સતત ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો પરેશાન છે. આ વલણથી નારાજ સરકારે હવે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે.
મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ઇન્ડિગોની દૈનિક આશરે ૧૧૦ ફ્લાઇટ્સ (કુલ શેડ્યૂલના ૫%) છીનવીને અન્ય એરલાઇન્સને આપી શકે છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો, જરૂર પડ્યે વધુ ૫% ફ્લાઇટ્સનો કાપ મૂકવામાં આવી શકે છે, જે કુલ કાપ ૧૦% સુધી પહોંચી શકે છે.
સ્લોટ્સ અન્ય કંપનીઓને અપાશે
સરકાર દ્વારા આયોજન કરાયેલા પહેલા પગલામાં ઇન્ડિગોના શેડ્યૂલમાં ૫% ફ્લાઇટ્સનો કાપ મૂકવામાં આવશે. આ સ્લોટ્સ એવી એરલાઇન્સને આપવામાં આવશે જેમની પાસે પૂરતા ક્રૂ અને એરક્રાફ્ટની અછત નથી. એટલે કે, સરકાર આ સ્લોટ્સ આકાસા, સ્પાઇસજેટ અથવા એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઇન્સને આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ડીજીસીએ (DGCA) દ્વારા ઇન્ડિગોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જેના જવાબમાં ઇન્ડિગોએ માફી માંગી છે.
ઇન્ડિગોએ ૫ કારણો આપ્યા, ૧૫ દિવસની મોહલત માંગી
ઇન્ડિગોએ તેના માફીનામામાં સ્વીકાર્યું છે કે આટલા મોટા સ્તરે સમસ્યાનું એકદમ ચોક્કસ કારણ જણાવવું મુશ્કેલ છે, પરંતુ કંપનીએ સંકટ માટે પાંચ મુખ્ય કારણો દર્શાવ્યા છે:
૧. નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમો
૨. વિન્ટર શેડ્યૂલ ચેન્જ
૩. ખરાબ હવામાન
૪. એર ટ્રાફિક કન્જેશન
૫. કેટલીક તકનીકી ખામી
ઇન્ડિગો દ્વારા સ્થિતિ સુધારવા માટે ૧૫ દિવસની વધુ મોહલત માંગવામાં આવી છે, જોકે લોકોના ગુસ્સાને જોતા ડીજીસીએ તરફથી આટલો સમય આપવો મુશ્કેલ જણાય છે.
ડીજીસીએની કડક કાર્યવાહી
ડીજીસીએ હવે ઇન્ડિગો પાસે હાજર પાઇલટ અને કેબિન ક્રૂની હાલની સંખ્યાના આધારે જ ફ્લાઇટ્સ માટે પરવાનગી આપશે. બાકીના સ્લોટ્સ અન્ય કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. આ ઉપરાંત, ડીજીસીએ દ્વારા ભારે દંડ અને ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
ડીજીસીએની તપાસ ટીમે ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ અને સીઓઓ ઇસિડ્રે પોરક્વેરાસને તલબ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નવી FDTL પોલિસી લાગુ કરવાની તૈયારીમાં ઇન્ડિગો દ્વારા આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ?
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
