News of Tuesday, 9th December 2025
રાજકીય રીતે ટ્રમ્પને મોટો ફટકો : 'મનસ્વી અને ગેરકાયદેસર' ગણીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઓર્ડરને ફગાવ્યો : ફેડરલ જજે ઑફશોર અને ઑનશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવ્યો
ન્યૂયોર્ક સહિત ૧૭ રાજ્યો દ્વારા અપાયેલા પડકારનો વિજય : જજ પેટી સેરિસે જાન્યુઆરીના મેમો દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને રદ કર્યો : ક્લીન એનર્જી સેક્ટરમાં ફરી તેજીની આશા

નવી દિલ્હી, તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ : યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને કોર્ટ તરફથી મોટો કાનૂની આંચકો લાગ્યો છે. ફેડરલ જજ પેટી સેરિસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તે આદેશને સંપૂર્ણપણે રદ કરી દીધો છે, જેમાં ઑફશોર અને ઑનશોર એમ બંને પ્રકારની નવી વિન્ડ પાવર પરિયોજનાઓ પર રોક લગાવી દેવાઈ હતી.
અદાલતે ટ્રમ્પના આ નિર્ણયને “મનસ્વી, ખોટો અને કાયદાની વિરુદ્ધ” ગણાવ્યો હતો. આ ચુકાદો માત્ર વિન્ડ એનર્જી ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ વધતી ઊર્જાની જરૂરિયાતો અને સ્વચ્છ ઊર્જાના લક્ષ્ય માટે આ પ્રતિબંધ સામે લડી રહેલા ૧૭ રાજ્યોની પણ જીત છે.
શું હતો ટ્રમ્પનો ઓર્ડર?
આ મામલો પવન ઊર્જાને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રના મોટા નિર્ણય સાથે સંકળાયેલો છે. ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ એક મેમો બહાર પાડ્યો હતો, જેમાં અમેરિકાના દરિયા કિનારાઓ પર ઑફશોર વિન્ડ ફાર્મના વિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જમીન પરના (ઑનશોર) પ્રોજેક્ટ્સની પરમિટ પણ રોકી દેવામાં આવી હતી. આનાથી પવન ઊર્જા ઉદ્યોગમાં ભારે અસ્થિરતા ફેલાઈ ગઈ હતી.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સના નેતૃત્વમાં ૧૭ રાજ્યોએ મે મહિનામાં આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. તેમનો તર્ક હતો કે આ પ્રતિબંધ "વિન્ડ ઇન્ડસ્ટ્રી માટે અસ્તિત્વનો ખતરો" (Existential Threat) બની ગયો છે.
કોર્ટે શું કહ્યું?
ફેડરલ જજ પેટી સેરિસે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પનું આ પગલું “arbitrary and capricious” (કોઈ નક્કર આધાર વિના અને કાયદાની વિરુદ્ધ) હતું.
એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું, "ન્યૂયોર્કના લોકો પહેલાથી જ વધતા ઊર્જા ખર્ચનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, અમને વધુ ઊર્જા સ્ત્રોતોની જરૂર છે, ઓછા નહીં."
આ નિર્ણય બાદ પવન ઊર્જા સેક્ટરમાં ફરી તેજી આવવાની આશા વધી ગઈ છે. પ્રતિબંધને કારણે જે પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા, તે હવે કોર્ટના આદેશ બાદ ઑફશોર અને ઑનશોર બંને સ્તરે ફરી શરૂ થઈ શકશે. આ નિર્ણય અમેરિકાની ક્લીન એનર્જી યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
