News of Tuesday, 9th December 2025
‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ: સંસદમાં મેરેથોન મંથન બાદ બપોરે રાજ્યસભામાં અમિત શાહ કરાવશે ઐતિહાસિક ચર્ચાનો પ્રારંભ: છ કલાક ચર્ચા ચાલશે

નવી દિલ્હી: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેણે રાષ્ટ્રભક્તિનો નવો પ્રાણ ફૂંક્યો હતો તેવા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ગરિમાને અનુલક્ષીને સંસદના બંને ગૃહોમાં ખાસ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે બપોરે ૧ વાગે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ચર્ચાની શરૂઆત કરવામાં આવી રહી છે.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ આજે વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લોકસભામાં આ વિષય પર લગભગ ૧૦ કલાક સુધી લાંબી અને ગંભીર ચર્ચા ચાલી હતી, જેમાં પક્ષ અને વિપક્ષના અનેક સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. હવે ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં આજે બપોરે ૧ વાગ્યાથી આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે. આ ચર્ચાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ કરાવશે. આ દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં ‘વંદે માતરમ’ ગીતના યોગદાન અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.
રાજ્યસભામાં આ ચર્ચા માટે ૬ કલાક જેટલો સમય ફાળવવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભાજપ તરફથી સુધાંશુ ત્રિવેદી અને સંગીતા યાદવ જેવા વક્તાઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે તેવી શક્યતા છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
