<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ખેડૂતોને લૂંટવા પર સરકારની લાલ આંખ: ખાતરની કાળાબજારી અને સંગ્રહખોરી બદલ ડીલરોને 12 હજારથી વધુ શો-કોઝ નોટિસ!

છેલ્લા 7 મહિનામાં 5,000 થી વધુ નોટિસ કાળાબજાર માટે, 3,000 થી વધુ લાઇસન્સ રદ; કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું—કેન્દ્ર સમયસર ખાતર પહોંચાડે છે, સંગ્રહખોરી રાજ્યોએ રોકવી પડશે

નવી દિલ્હી, તા.09 : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે ખાતરના ડીલરો સામે રાષ્ટ્રવ્યાપી કડક કાર્યવાહી શરૂ કરી છે. કાળાબજાર, સંગ્રહખોરી (હોર્ડિંગ) અને ગુણવત્તાના ઉલ્લંઘન સામેની આ ઝુંબેશના ભાગરૂપે, સરકારે છેલ્લા સાત મહિનામાં ખાતરના ડીલરોને 12,814 શો-કોઝ નોટિસ ફટકારી છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કાળાબજારની પ્રવૃત્તિઓ માટે 5 હજારથી વધુ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે અને 3 હજારથી વધુ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. વધુમાં, ખાતરની સંગ્રહખોરી માટે 687 શો-કોઝ નોટિસ અને 202 લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મંત્રીએ ખાતરની અછતના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશના દરેક ખૂણે સમયસર ખાતરનો પુરવઠો પહોંચાડ્યો છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ડીલરો દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી એક સમસ્યા છે, જેનો સામનો કરવાની અને તેને અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. તેમણે ખાતરી આપી હતી કે હાલમાં 67 લાખ મેટ્રિક ટન ખાતર સ્ટોકમાં ઉપલબ્ધ છે, અને વધારાનો 24 લાખ મેટ્રિક ટનનો જથ્થો આવતા મહિને આવી જશે.
શ્રી નડ્ડાએ ઉમેર્યું હતું કે સરકાર હાલમાં ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ખાતરની જરૂરિયાતોનું સતત નિરીક્ષણ કરી રહી છે, જે એક પારદર્શક અને વાસ્તવિક સમયની દેખરેખ પ્રદાન કરે છે. તેમણે રાજ્ય સરકારોને ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદકો અને નિકાસકારો સાથે સીધા સંપર્કમાં રહેવા અને સિઝન દરમિયાન સમયસર પોતાનો ઓર્ડર આપવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખાતરના ડાયવર્ઝન, સંગ્રહખોરી અને વધુ પડતી કિંમત (ઓવર-પ્રાઇસિંગ) સામે કાર્યવાહી કરવાનો અધિકાર રાજ્યોને છે.

 

(4:59 PM IST)