માઈક્રોસોફ્ટ ભારતમાં રેકોર્ડ ૧૭.૫ બિલિયનનું જંગી રોકાણ કરશે : એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુસ્ટ!
CEO સત્ય નડેલાએ PM મોદી સાથે મુલાકાત બાદ કરી જાહેરાત: આગામી ૪ વર્ષમાં ૧.૫૮ લાખ કરોડનું રોકાણ કરીને 'સાર્વભૌમ AI ક્ષમતાઓ'નું નિર્માણ થશે.

નવી દિલ્હી: અમેરિકન ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રને મોટો વેગ આપવા માટે ૧૭.૫ બિલિયન (અંદાજે ₹૧.૫૮ લાખ કરોડ)નું જંગી રોકાણ કરશે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ X (અગાઉ ટ્વિટર) પર આ ઐતિહાસિક જાહેરાત કરી હતી, જે એશિયામાં કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. માઈક્રોસોફ્ટના નિવેદન મુજબ, આ રોકાણ આગામી ચાર વર્ષોમાં (૨૦૨૬ થી ૨૦૨૯ દરમિયાન) કરવામાં આવશે, અને તે અગાઉ જાન્યુઆરી ૨૦૨૫માં જાહેર કરાયેલ $૩ બિલિયનની પ્રતિબદ્ધતા ઉપરાંત છે.
સત્ય નડેલાએ તેમની પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું કે, "માઈક્રોસોફ્ટ ભારતના લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે $૧૭.૫ બિલિયન પ્રતિબદ્ધ છે. આ ભારતના AI ભવિષ્ય માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણ કરશે."
આ જંગી રોકાણ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ડિજિટલ બજારોમાંનું એક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે જ્યારે વિશ્વ અનિશ્ચિતતાથી ભરેલું છે, ત્યારે ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે અને આર્થિક મંદીની ચર્ચાઓ વચ્ચે વિકાસની વાર્તા લખી રહ્યું છે, જે યુએસની મોટી કંપનીઓને આકર્ષી રહી છે.
માઈક્રોસોફ્ટનું આ રોકાણ ભારતને AI પાવરહાઉસ બનાવવા અને વૈશ્વિક ટેકનોલોજીના કેન્દ્ર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલું મોટું રોકાણ માત્ર રોજગારની તકો ઊભી કરશે નહીં, પરંતુ ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પણ અદ્યતન AI ટેકનોલોજીની સરળ ઍક્સેસ પ્રદાન કરશે. આનાથી ભારતમાં AI સંચાલિત ઉત્પાદનો અને સેવાઓનું લોન્ચિંગ ઝડપી બનશે, જે વૈશ્વિક AI સ્પર્ધામાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
