<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દિલ્હી-એનસીઆરની એર સિક્યુરિટીને મળ્યું સ્વદેશી સુરક્ષા કવચ : મિસાઇલો, ડ્રોન અને ઝડપી વિમાનોથી રક્ષણ માટે મલ્ટિલેયર ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે

અમેરિકન NASAMS-2 સિસ્ટમની ઊંચી કિંમતને કારણે સરકારનો સોદો રદ્દ : હવે QR-SAM અને VSHORADS જેવી સ્વદેશી મિસાઇલો તૈનાત થશે : DRDO નાં છેલ્લા ૫ વર્ષમાં સંશોધનથી ₹ ૨.૬૪ લાખ કરોડથી વધુની બચત

 

નવી દિલ્હી, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ : ભારતની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) ની વાયુ સુરક્ષાને મજબૂત કરવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. સરકારે મિસાઇલો, ડ્રોન અને તીવ્ર ગતિના વિમાનો જેવા દુશ્મનના હવાઈ જોખમોથી બચાવવા માટે સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
વરિષ્ઠ સંરક્ષણ સૂત્રોએ માહિતી આપી હતી કે NCR ની સુરક્ષા માટે મલ્ટિલેયર ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IIDWS) તૈનાત કરવામાં આવશે. આ સિસ્ટમમાં સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલો જેવી કે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ (QRSAM) અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) નો સમાવેશ થશે. IIDWS પર NCRમાં મહત્ત્વપૂર્ણ સ્થાપનાઓની સુરક્ષાની જવાબદારી રહેશે અને તે ભારતીય વાયુસેનાના નિયંત્રણ હેઠળ કામ કરશે.
આ સ્વદેશી હથિયાર પ્રણાલી તૈનાત કરવાની યોજના દેશની સ્થાનિક સંરક્ષણ પ્રણાલીઓને પ્રોત્સાહન આપશે. અગાઉ ભારતે અમેરિકા દ્વારા નિર્મિત નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ-૨ (NASAMS-2) તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ સરકારે અમેરિકા દ્વારા માંગવામાં આવેલી ઊંચી કિંમતને કારણે આ સોદામાંથી પીછેહઠ કરી છે.
DRDO ની સિદ્ધિઓ:
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) આ પ્રોજેક્ટ પર પ્રોડક્શન એજન્સીઓ સાથે કામ કરશે. સંસદની એક સમિતિએ મંગળવારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે DRDO એ છેલ્લા પાંચ વર્ષમાં તેના સ્વદેશી સંશોધનને કારણે ₹ ૨,૬૪,૧૫૬ કરોડની મોટી રકમની બચત કરી છે.
રિપોર્ટમાં DRDO ની તાજેતરની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેમાં નવેમ્બર ૨૦૨૪માં લાંબા અંતરની પ્રથમ હાઇપરસોનિક એન્ટિ-શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ અને માર્ચ ૨૦૨૪માં અગ્નિ બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરીને તેની પ્રથમ મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીનું સફળ પરીક્ષણનો સમાવેશ થાય છે. આ ટેકનોલોજી એક જ મિસાઇલને વિવિધ લક્ષ્યો પર અનેક વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા આપે છે.

 

(9:33 AM IST)