પાકિસ્તાનના ૪ પ્રાંતોના ટુકડા કરીને ૧૨ નવા રાજ્યો બનાવાશે : શાહબાઝ સરકારના મંત્રીના પ્રસ્તાવથી રાજકીય ગરમાવો
શાહબાઝ શરીફ સરકારના પ્રધાન અને આઈપીપી ના નેતા અબ્દુલ અલીમ ખાને પ્રસ્તાવ મૂકતા બિલાવલ ભુટ્ટોની પાર્ટી 'પીપીપી' અને અન્ય પક્ષોએ સખત વિરોધ નોંધાવ્યો: પાકિસ્તાનમાં નવો રાજકીય વિવાદ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વર્તમાન ચાર મુખ્ય પ્રાંતોનું વિભાજન કરીને તેને ૧૨ નાના પ્રાંતોમાં વહેંચવાની યોજના વિચારણા હેઠળ છે. શાહબાઝ શરીફ સરકારના મંત્રી અને 'ઈસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી' (આઈપીપી) ના નેતા અબ્દુલ અલીમ ખાને આ પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, બિલાવલ ભુટ્ટોની પાર્ટી 'પીપીપી' અને અન્ય રાષ્ટ્રવાદી પક્ષોએ આ યોજનાનો સખત વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે પાકિસ્તાનમાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે.
વહીવટી સુધારાના નામે નવા પ્રાંતોની રચનાનો પ્રસ્તાવ: પાકિસ્તાનના ફેડરલ મંત્રી અબ્દુલ અલીમ ખાને શેખુપુરામાં આયોજિત પક્ષના એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં સુશાસન અને સારી ગવર્નન્સ માટે નાના પ્રાંતોની રચના કરવી હવે અનિવાર્ય બની ગયું છે. તેમણે દલીલ કરી હતી કે પડોશી દેશોમાં પણ નાના રાજ્યોનું મોડેલ સફળ રહ્યું છે, તેથી પાકિસ્તાને પણ તે અપનાવવું જોઈએ. આ પ્રસ્તાવ મુજબ પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા એ ચારેય મુખ્ય પ્રાંતોના ત્રણ-ત્રણ ભાગ કરવામાં આવશે, જેથી કુલ પ્રાંતોની સંખ્યા ૧૨ થઈ જશે.
પ્રસ્તાવિત યોજના મુજબ ચાર મુખ્ય પ્રાંતોનું ભૌગોલિક વિભાજન નીચે મુજબ કરવાની વિચારણા છે:
* પંજાબ: ઉત્તર પંજાબ, મધ્ય પંજાબ અને દક્ષિણ પંજાબ.
* સિંધ: કરાચી સિંધ, મધ્ય સિંધ અને ઉપલા (અપર) સિંધ.
* ખૈબર પખ્તુનખ્વા (કેપી): ઉત્તર કેપી, દક્ષિણ કેપી અને આદિવાસી વિસ્તાર (ફાટા રિજન).
* બલૂચિસ્તાન: પૂર્વ બલૂચિસ્તાન, પશ્ચિમ બલૂચિસ્તાન અને દક્ષિણ બલૂચિસ્તાન.
વડાપ્રધાન શાહબાઝ શરીફની ગઠબંધન સરકારમાં સામેલ 'ઈસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી' (આઈપીપી) અને કરાચી સ્થિત પક્ષ 'એમક્યુએમ-પાકિસ્તાન' (એમક્યુએમ-પી) આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. એમક્યુએમ-પી તો ત્યાં સુધી કહ્યું છે કે તેઓ બંધારણીય સુધારા દ્વારા આ માંગને આગળ વધારશે.
બીજી તરફ, સરકારના મુખ્ય સાથી પક્ષ 'પાકિસ્તાન પીપલ્સ પાર્ટી' (પીપીપી) એ આનો ઉગ્ર વિરોધ કર્યો છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ચેતવણી આપી છે કે સિંધના હિતો વિરુદ્ધ કોઈપણ પગલું સાંખી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, 'અવામી નેશનલ પાર્ટી' (એએનપી) અને બલૂચ રાષ્ટ્રવાદી જૂથોએ પણ આ પ્રસ્તાવને વખોડી કાઢ્યો છે. તેમનો ડર છે કે નાના પ્રાંતો બનાવવાથી સ્થાનિક ઓળખ ખતમ થઈ જશે અને કેન્દ્ર સરકાર તથા સેનાની પકડ વધુ મજબૂત થશે, જેનાથી રાજકીય તણાવ વધશે.
રાજકીય વિશ્લેષકો અને થિંક ટેન્ક 'પિલ્ડાટ'ના વડા અહેમદ બિલાલ મહેબૂબના જણાવ્યા અનુસાર, નવા પ્રાંતો બનાવવાની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને જટિલ છે. તેનાથી વહીવટી સમસ્યાઓ ઉકેલવાને બદલે રાજકીય વિવાદો વધુ વકરશે. તેમણે સૂચન કર્યું કે નવા ભાગલા પાડવાને બદલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ મજબૂત કરવી જોઈએ.
નવા પ્રાંતોની રચના માટે પાકિસ્તાનની સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી સાથે બંધારણીય સુધારો કરવો પડે તેમ છે, જે હાલની રાજકીય પરિસ્થિતિમાં અત્યંત મુશ્કેલ જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
