News of Wednesday, 10th December 2025
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભરી સભામાં મહિલા પત્રકારને આંખ મારીઃ ઈમરાન ખાન અંગેના સવાલ પર જનરલની શરમજનક હરકત
સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવીને પાકિસ્તાની નેતળત્વની ઝાટકણી કાઢી

ઈસ્લામાબાદ, તા.૧૦: પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તાધીશો અને સૈન્ય અધિકારીઓના વર્તન પર સવાલો ઉભા થયા છે. પાકિસ્તાની સેનાની મીડિયા પાંખ (આઈએસપીઆર)ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરી એક પત્રકાર પરિષદ દરમિયાન મહિલા પત્રકાર સાથે કરેલા ઈશારાને કારણે વિવાદમાં સપડાયા છે. જ્યારે એક મહિલા પત્રકારે તેમને ઈમરાન ખાનને લગતો પ્રશ્ન પૂછયો, ત્યારે જવાબ આપતી વખતે જનરલે હસીને તેમને આંખ મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સેનાના ઉચ્ચ અધિકારીના આવા વર્તન પર ફિટકાર વરસાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પત્રકાર પરિષદ દરમિયાન પાકિસ્તાની પત્રકાર અબસા કોમલે મેજર જનરલ ચૌધરીને પૂછયું હતું કે, ઈમરાન ખાન પર હાલમાં જે આરોપો લાગી રહ્યા છે તે ભૂતકાળના આરોપો કરતા કેવી રીતે અલગ છે? અને શું ભવિષ્યમાં કોઈ નવી કાર્યવાહીની અપેક્ષા છે?
આ સવાલના જવાબમાં અહેમદ શરીફ ચૌધરીએ કટાક્ષ કર્યો હતો. તેમણે હસતા મુખે અને આંખ મારીને મહિલા પત્રકારને કહ્યું હતું કે, તમે આમાં ચોથો મુદ્દો પણ ઉમેરી દો કે તેઓ (ઈમરાન ખાન) એક માનસિક રોગી પણ છે. સેનાના પ્રવક્તાનું આ નિવેદન અને તેમનો શારીરિક હાવભાવ કેમેરામાં કેદ થઈ ગયો હતો, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાની સેના અને સરકારની ટીકા કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું હતું કે, આ બધું કેમેરાની સામે થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, આ દેશ એક મજાક બનીને રહી ગયો છે. લોકોનું કહેવું છે કે એક જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્યક્તિનું આવું વર્તન અશોભનીય છે.
યુસુફ રઝા ગિલાની અહેવાલો અનુસાર, ભૂતકાળમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો પણ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ એક રેલી દરમિયાન પત્રકાર શીરીન રહેમાન સાથે અયોગ્ય વર્તન કરતા જોવા મળ્યા હતા. જોકે, તે સમયે તેઓ વડાપ્રધાન બન્યા ન હતા.
ઈમરાન ખાન લગભગ ત્રણ વર્ષ પહેલા ઈમરાન ખાનની પણ એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં તેઓ પક્ષની એક મહિલા કાર્યકર સાથે અયોગ્ય વાતચીત કરતા અને તેને મળવા માટે બોલાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રેર્કોડિંગ તે સમયનું હતું જ્યારે તેઓ વડાપ્રધાન હતા, જોકે તેમની પાર્ટીએ આ ઓડિયોને નકલી ગણાવ્યો હતો.
મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરી ડિસેમ્બર ૨૦૨૨માં આ પદ પર આવ્યા હતા. તેઓ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ કોર્પ્સમાંથી આવે છે. તેમના પિતા સુલતાન બશીરુદ્દીન મેહમૂદ એક વિવાદાસ્પદ પરમાણુ વૈજ્ઞાનિક હતા, જેમનું નામ કથિત રીતે અલ-કાયદા સાથેના સંબંધોને કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હતું. જનરલ ચૌધરી તેમની કડક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે ઈમરાન ખાનને આત્મમુગ્ધ અને અહંકારી ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે જેલમાં ઈમરાન ખાનને મળવા આવતા મુલાકાતીઓનો ઉપયોગ સેના વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
