News of Wednesday, 10th December 2025
હથોડાની એક-એક ચોટથી બદલાઈ ગઈ કિસ્મત! છત્તીસગઢની પ્રમિલા મરકામ બની ‘આયર્ન આર્ટની ક્વીન’, 13 લાખથી વધુની કમાણી કરીને બસ્તરની કલાને આપી રાષ્ટ્રીય ઓળખ
ગામના મજૂર પરિવારની મહિલાએ ‘બિહાન’ મિશન થકી 80 પ્રકારની રૉટ આયર્ન કલાકૃતિઓ બનાવી, ગુજરાત, દિલ્હી સહિત દેશભરના મેળામાં કર્યું લાખોનું વેચાણ

રાયપુર, તા.10 : છત્તીસગઢના નાના રાજપુર ગામની પ્રમિલા મરકામની સફર મહેનત અને કલાના અદ્ભુત સંગમનું ઉત્તમ ઉદાહરણ છે. જે પરિવાર માત્ર મજૂરી પર નિર્ભર હતો, તે આજે પ્રમિલાની રૉટ આયર્ન (Rot Iron) કલાના કારણે દેશભરમાં જાણીતો બન્યો છે. રાજ્ય સરકારના 'બિહાન' (Bihaan) મિશન સાથે જોડાઈને પ્રમિલાએ પોતાની કલાને એક નવી દિશા આપી છે અને આજે તે 80 પ્રકારની અલગ-અલગ કલાકૃતિઓ તૈયાર કરીને 'આયર્ન આર્ટની ક્વીન' તરીકે ઓળખાય છે.
પ્રમિલા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કલાકૃતિઓ છત્તીસગઢના બસ્તરની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનંઆ પ્રતિબિંબ છે. તેમની કલાકારીમાં નૃત્ય કરતી મૂર્તિઓ, વિવિધ પશુ-પક્ષીઓની આકૃતિઓ અને ગ્રામીણ જીવનની ઝલક જોવા મળે છે. અત્યાર સુધીમાં પ્રમિલાએ 1500થી વધુ રૉટ આયર્ન કલાકૃતિઓ તૈયાર કરી છે, જેની કુલ કિંમત 30 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ કલાકૃતિઓમાંથી 857નું વેચાણ કરીને તેમણે 13 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી છે, જે તેમની અસાધારણ સફળતા દર્શાવે છે.
'બિહાન' મિશને પ્રમિલાને ગુજરાત, ગોવા, દિલ્હી, આસામ અને નોઇડા જેવા દેશના મોટા શહેરોમાં આયોજિત 'સરસ મેળા'માં ભાગ લેવાનો મોકો આપ્યો. આ મેળા થકી જ તેમણે અત્યાર સુધીમાં લગભગ 12 લાખ રૂપિયાની કમાણી કરી છે. ખાસ કરીને, તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા સરસ મેળામાં તેમણે 496 ઉત્પાદનો વેચીને 3 લાખ 87 હજાર 500 રૂપિયાનો નોંધપાત્ર વકરો કર્યો હતો. પ્રમિલાની આ કલા યાત્રા માત્ર તેમને આત્મનિર્ભર જ નથી બનાવી રહી, પરંતુ તે છત્તીસગઢની પરંપરાગત કલાને રાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવવાનું પણ કામ કરી રહી છે, જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
