<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દિલ્હીમાં રહસ્યમય ગુમ થવાનો સિલસિલો યથાવત: 18 વર્ષનો પંકજ 11 દિવસથી લાપતા, વર્ષ 2025માં અત્યાર સુધી 7,765થી વધુ છોકરાઓ ગુમ થતાં રાજધાનીમાં ખળભળાટ!

બુદ્ધ વિહારનો પરિવાર શોકમાં ડૂબેલો, માતાની નજર દરવાજા પર અટકેલી; પોલીસની FIRમાં ગંભીર ભૂલ અને ગુમ થયેલા મિત્રની ભૂમિકા શંકાના દાયરામાં

નવી દિલ્હી, તા.10 : દેશની રાજધાની દિલ્હીમાં બાળકોના ગુમ થવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2025માં (31 ઓક્ટોબર સુધી) અત્યાર સુધીમાં 7,765 છોકરાઓ ગુમ થયા છે, જેમના કોઈ સગડ મળ્યા નથી. આ સિલસિલામાં બુદ્ધ વિહાર વિસ્તારના એક ગરીબ પરિવારનો 18 વર્ષનો દીકરો પંકજ છેલ્લા 11 દિવસથી ગુમ છે, જેના કારણે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો આરોપ છે કે પોલીસે આ કેસમાં ખોટી FIR દાખલ કરી છે, જેના કારણે તપાસની દિશા ભટકી ગઈ છે.
શોકગ્રસ્ત પરિવારના ઘરે વાતાવરણમાં સન્નાટો છવાયેલો હતો, જે પરિવારના અસહ્ય દુઃખની ગાથા કહી રહ્યો હતો. પંકજની માતા કમલેશની આંખો દરવાજા પર અટકેલી છે. તે કહે છે કે દર વખતે દરવાજો ખુલવાનો અવાજ આવે છે, ત્યારે હૃદયમાં આશા જાગે છે કે તેમનો દીકરો પાછો ફરશે, પણ દરેક વખતે નિરાશા જ મળે છે.
માતા કમલેશના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બરની સાંજે પંકજ તેના ત્રણ વર્ષ જૂના મિત્ર કુશલ (ઉર્ફે કાકુ)ના જન્મદિવસની પાર્ટીમાં જવાનું કહીને ઘરેથી સ્કૂટર પર ગયો હતો. જોકે, 1 ડિસેમ્બરની સવારે પંકજનો ફોન બંધ આવતા માતા મિત્ર કુશલના ઘરે ગઈ. કુશલે જણાવ્યું કે તેણે પંકજને વહેલી સવારે 3:30 વાગ્યે પીરાગઢી ફ્લાયઓવર પાસે ઉતારી દીધો હતો. પરિવારને અહીં જ ગરબડની શંકા છે, કારણ કે પોલીસની FIRમાં પિતાનું નામ ખોટું લખાયું છે અને સૌથી મોટી ભૂલ એ છે કે તેમાં લખ્યું છે કે પંકજ બસમાંથી ઉતર્યો હતો, જ્યારે મિત્ર સ્કૂટર પર છોડી ગયાનું કહે છે. આનાથી મિત્ર કુશલ પોલીસ તપાસમાંથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ ગયો છે, જ્યારે તેણે જ પંકજને વહેલી સવારે 3:30 વાગ્યે એવી જગ્યાએ છોડ્યો જ્યાં વાહનવ્યવહાર ઉપલબ્ધ નહોતો, જે શંકા ઊભી કરે છે.
પંકજની ભાભી નિધિએ જણાવ્યું કે ગુમ થતા પહેલા સવારે 3:30 વાગ્યે તેમને પંકજનો ફોન આવ્યો હતો, પણ તે કઈ બોલી શકે તે પહેલા જ ફોન બંધ થઈ ગયો. પરિવારના આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેમને શરૂઆતમાં પોલીસનો સહયોગ ઓછો મળ્યો હતો, પરંતુ DCP ઓફિસ પહોંચ્યા બાદ પોલીસ પર દબાણ આવ્યું અને હવે શોધખોળ ચાલુ છે. જોકે, 11 દિવસ વીતી ગયા છતાં પંકજનો કોઈ પત્તો લાગ્યો નથી. ફોન પર વાતચીત દરમિયાન, મિત્ર કુશલે કહ્યું કે 30 નવેમ્બરે કોઈનો જન્મદિવસ નહોતો અને પંકજે જ પીરાગઢીથી ઘરે જવાનું કહ્યું હતું, તેથી તેણે ત્યાં ઉતારી દીધો. માંગોલપુરી પોલીસ સ્ટેશનના અધિકારી પ્રમોદ રાવતે જણાવ્યું કે પીરાગઢીમાં સીસીટીવી કેમેરાના અભાવને કારણે પડકારો છે, પરંતુ છોકરાની શોધ ચાલુ છે અને પોસ્ટરો પણ છપાવી દેવાયા છે.

(5:26 PM IST)