<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શાકભાજી વેચનાર 'સુનિતા'ના પાત્રનો અંત? અભિનેત્રી પ્રાજક્તા શિસોદેએ શો છોડ્યો, નિર્માતાઓ પર 'દબાણ' કરવાનો ગંભીર આરોપ

'તમે મને સોશિયલ મીડિયા પરથી પોસ્ટ ડિલીટ કરવા દબાણ કરતા હતા', પ્રાજક્તાએ મરાઠી અભિનેત્રીઓને ભૂમિકા ન ભજવવાની કરી અપીલ: 'અમે નોકર કે શાકભાજીવાળી બનવા નથી જન્મ્યા'

મુંબઈ, તા.10 : લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી વધુ એક અભિનેત્રીએ વિદાય લીધી છે. શોમાં 'સુનિતા'નું લોકપ્રિય પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રાજક્તા શિસોદેએ નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવતા શો છોડી દીધો છે. પ્રાજક્તા શોમાં શાકભાજી વેચનારનું પાત્ર ભજવતી હતી, જે ગોકુલધામ સોસાયટીના મહિલા મંડળ સાથે જોડાયેલું હતું.
પ્રાજક્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી અને નિર્માતાઓ પર પોતાનું આત્મસન્માન જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો.
તેણીએ પોતાની પોસ્ટમાં લખ્યું:
"જેને તમારી લાગણીઓ અને સંવેદનાઓની પરવા નથી તેના માટે ક્યારેય તમારા આત્મસન્માનનું બલિદાન ન આપો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે આભાર. હું મહિલા મંડળ ટીમ છું."
સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરવા દબાણ?
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે નિર્માતાઓ તેને સોશિયલ મીડિયા પરથી પોસ્ટ્સ ડિલીટ કરવા માટે દબાણ કરતા હતા અને ડિલીટ થઈ છે કે નહીં તે પણ તપાસતા હતા. પ્રાજક્તાએ પોતાની મરાઠી અભિનેત્રી સાથીઓને આ પાત્ર ન ભજવવા માટે વિનંતી કરી છે.
તેણીએ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું: "હું મારી મરાઠી અભિનેત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તારક મહેતામાં સુનિતાનો રોલ ન ભજવે, કારણ કે તેમને લાગે છે કે તારક મહેતામાં આ ભૂમિકા જરૂરી નથી."
તેણીએ આગળ કહ્યું, "આ મારો અનુભવ છે. અમે નોકર કે શાકભાજી વેચનારાઓની ભૂમિકા ભજવવા માટે જન્મ્યા નથી."
પ્રાજક્તાના આ ગંભીર આરોપો અંગે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ તરફથી કે નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોંધનીય છે કે અગાઉ શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, દિશા વાકાણી, અને મોનિકા ભદોરિયા સહિત ઘણા કલાકારોએ શો છોડી દીધો છે.

(5:34 PM IST)