<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

કોર્ટના તિરસ્‍કારની સત્તા જજો માટે વ્‍યક્‍તિગત સુરક્ષા કવચ નથીઃ સુપ્રીમ

કન્‍ટેમ્‍પ્‍ટની કાર્યવાહીની સત્તા ટીકાકારોને ચુપ કરવાની તલવાર પણ નથી

નવી દિલ્‍હી,તા.૧૧: કોર્ટના તિરસ્‍કાર અંગેની કાર્યવાહી કરતી વખતે અદાલતોને સાવધ રહેવાની તાકીદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે તિરસ્‍કાર સામે કાર્યવાહી કરવાની સત્તા ન્‍યાયાધીશો માટે વ્‍યક્‍તિગત બખ્‍તર કે ટીકાકારોને ચુપ કરવા માટેની તલવાર નથી. દયા ન્‍યાયિક અંતરાત્‍માનો એક અભિન્ન હિસ્‍સો રહેવી જ જોઈએ. કોર્ટની નિદા કરનાર નિષ્ઠાપૂર્વક પોતાની ભૂલ સ્‍વીકારે અને તેનું પ્રાયヘતિ કરવાનો પ્રયાસ કરે ત્‍યારે કોર્ટ દયા દાખવવી જોઇએ.

સુઓ-મોટો ફોજદારી અવમાનના કેસમાં એક મહિલાને બોમ્‍બે હાઇકોર્ટે ફટકારેલી એક સપ્તાહની સજાને માફ કરતાં જાસ્‍ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ અવલોકન કર્યા હતાં. સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે સજા કરવાની સત્તામાં માફ કરવાની સત્તા પણ સહજ રીતે જોડાયેલી છે. તેથી તિરસ્‍કાર અધિકારક્ષેત્રનો ઉપયોગ કરતી વખતે અદાલતોએ સભાન રહેવું જોઈએ કે આ સત્તા ન્‍યાયાધીશો માટે વ્‍યક્‍તિગત બખ્‍તર કે ટીકાકારોને ચુપ કરવાની તલવાર નથી. કોઇ વ્‍યક્‍તિ પોતાની ભૂલ માટે પસ્‍તાવો વ્‍યક્‍ત કરે ત્‍યારે તેને સ્‍વીકારવા માટે મનોબળની જરૂર પડે છે. 

ભૂલ કરનારને માફી આપવા માટે તેનાથી પણ મોટા ગુણની જરૂર પડે છે. બોમ્‍બે હાઇકોર્ટના ૨૩ એપ્રિલના આદેશ સામેની અપીલ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્‍યો હતો. બોમ્‍બે હાઇકોર્ટે અપીલકર્તાને કોર્ટના ફોજદારી તિરસ્‍કારના ગુના માટે દોષિત ઠેરવી એક અઠવાડિયાની સાદી કેદની સજા અને રૂ.૨,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. સર્વોચ્‍ચ અદાલતે નોંધ્‍યું હતું કે તેની સમક્ષના અપીલકર્તા કલ્‍ચરલ ઓફ સીવુડ્‍સ એસ્‍ટેટ્‍સ લિમિટેડ હાઉસિગ કોમ્‍પ્‍લેક્‍સના ભૂતપૂર્વ ડિરેક્‍ટર છે. પશુ જન્‍મ નિયંત્રણ નિયમો, ૨૦૨૩ના નિયમ ૨૦ને પડકારતી હાઇકોર્ટ સમક્ષ પેન્‍ડિંગ અરજીમાં એક મધ્‍યસ્‍થીકર્તાએ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં જણાવાયું હતું કે અપીલકર્તાએ જાન્‍યુઆરી ૨૦૨૫માં એક પરિપત્ર બહાર પાડ્‍યો હતો, જેમાં કથિત રીતે ડોગ માફિયા એવી ટીપ્‍પણી કરી હતી.

(10:03 AM IST)