News of Thursday, 11th December 2025
ઉત્તર આફ્રિકાના મોરોક્કોમાં ગમખ્વાર દુર્ઘટના: રહેણાંક ઈમારતો ધરાશાયી થતાં ૨૨ લોકોનાં મોત: કાટમાળ નીચે અનેક લોકો દટાયાની ભીતિ

ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીંના મસ્સિરા-જૌઆધા વિસ્તારમાં ચાર માળની બે રહેણાંક ઈમારતો અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડતાં ૨૨ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
મોરોક્કોના મસ્સિરા-જૌઆધામાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સ્થાનિક પ્રશાસન અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાર માળની બે ઈમારતો અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૨૨ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક બચાવ ટુકડીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો જીવતા દટાયેલા હોવાની શક્યતા છે, તેથી અત્યાધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઈમારતો પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જૂની અને જર્જરિત બાંધકામ વ્યવસ્થા જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
