<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પેન્‍સિલવેનિયામાં સ્‍ટોરમાંથી ચોરી કરવાના આરોપમાં ગુજરાતી મહિલાની ધરપકડ

૪૬ વર્ષીય ગાયત્રી પટેલ પર સ્‍ટોરમાંથી સામાન લઈ પૈસા આપ્‍યા વિના જ બહાર નીકળી જવાનો આરોપ

એક્‍સટન, તા.૧૧: પેન્‍સિલવેનિયાના એક્‍સટનમાં એક ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોરમાંથી ચોરી કરવાના આરોપમાં ૪૬ વર્ષીય ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે, આરોપીનું નામ ગાયત્રી મોહન પટેલ હોવાનું જણાવાયું છે જેમની વેસ્‍ટ લિંકન હાઈવે પર આવેલા કોલ્‍સ ડિપાર્ટમેન્‍ટ સ્‍ટોરમાંથી ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હોવાનું વેસ્‍ટ વ્‍હાઈટલેન્‍ડ ટાઉનશિપ પોલીસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા જણાવાયું છે.

પોલીસને આ સ્‍ટોર પરથી જ કોલ કરવામાં આવ્‍યો હતો, સ્‍ટોરના મેનેજરે પોલીસને જણાવ્‍યું હતું કે ગાયત્રી પટેલ અમુક વસ્‍તુઓ લીધા બાદ પૈસા આપ્‍યા વિના જ સ્‍ટોરમાંથી નીકળી ગયા હતા અને આ વસ્‍તુઓ તેમની પાસેથી જ મળી આવી હતી જે તેમણે ચોરી કરી હોય તેવી આશંકા છે.

પોલીસે ગાયત્રી પટેલ પર રિટેલ થેફ્‌ટ અને ચોરીનો સામાન રિસીવ કરવાનો આરોપ લગાવ્‍યો છે. જોકે, તેમણે જે સામાન ચોર્યો હોવાનો આરોપ છે તેની વેલ્‍યૂ કેટલી થતી હતી તેની કોઈ વિગતો જાહેર કરવામાં નથી આવી. પોલીસે હાલ માત્ર એટલું જ જણાવ્‍યું છે કે હાલ આ કેસની તપાસ ચાલુ છે.

લૉ એન્‍ફોર્સમેન્‍ટ એજન્‍સીએ એવું પણ કહ્યું છે કે ગાયત્રી પટેલને ડિસેમ્‍બર ૦૩ના રોજ અરેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા અને કોર્ટ પ્રોસિડિંગ્‍સને લગતી કોઈ વિગતો હાલ નથી જણાવાઈ કે ના તો ગાયત્રી પટેલના ઈમિગ્રેશન સ્‍ટેટસની કોઈ વિગતો ઈન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી દ્વારા શેર કરાઈ છે. જે સ્‍ટોરમાંથી ગાયત્રી પટેલે ચોરી કરી હોવાનો આક્ષેપ કરાયો છે તે જ સ્‍ટોરમાંથી હાલના દિવસોમાં જ બીજા બે ઈન્‍ડિયન્‍સે પણ કથિત ચોરી કરી હતી.

(3:20 PM IST)