News of Thursday, 11th December 2025
ગુજરાતમાં સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળના ૩ વર્ષ પૂર્ણ : ૧૫૬ બેઠકોના જનસમર્થનથી વિકાસની યાત્રાને નવી ગતિ
ખેડૂતો માટે ₹૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ અને ₹૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત : કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીનું ગૌરવ : આરોગ્ય સહાયતા ₹૧૦ લાખ કરાઈ : ગુનાખોરી ડામવા ₹ ૫૪૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદ : ગુજરાતના ૧૮મા મુખ્યમંત્રી તરીકે ૧૫૬ બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે શપથ લીધા બાદ, ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળના આગામી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ત્રણ વર્ષો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીને વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે.
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ ઉપરાંત, પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશો (ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર)માં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન થયું છે, જે સ્થાનિક ક્ષમતાઓને 'વિકસિત ભારત @૨૦૪૭'ના વિઝન સાથે જોડશે. વર્ષ ૨૦૨૫માં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના જેવી ગંભીર પરિસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈએ સંવેદનશીલ અને ઝડપી નેતૃત્વ પ્રદાન કરીને સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો હતો.
વિકાસ અને કલ્યાણના મુખ્ય આધારસ્તંભો:
૧. કૃષિ કલ્યાણ અને સહાય:
* ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૫ના ભારે વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને ₹ ૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું.
* ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૫ના કમોસમી વરસાદથી થયેલા ભારે પાક નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ₹ ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, જેનાથી લગભગ ૩૩ લાખ ખેડૂતોને લાભ થશે.
* કમોસમી વરસાદમાં પાક નુકસાનના સંદર્ભમાં સરકારે ₹ ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, જેનો લાભ ૧૦ લાખથી વધુ ખેડૂતોને થશે.
* કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૬,૮૯૯ ગામો (૧૯.૪૮ લાખ ગ્રાહકો સાથે) નિયમિતપણે દિવસે વીજળી મેળવે છે.
૨. મહિલા સશક્તિકરણ:
* ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા ૫ લાખ ૯૬ હજાર થઈ, અને રાજ્ય ૧૦ લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે.
* નારી સશક્તિકરણ માટે 'નારી ગૌરવ નીતિ-૨૦૨૪' જાહેર કરાઈ.
* વર્ષ ૨૦૨૩માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ₹ ૧ લાખ કરોડને પાર થયું અને ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી હતી.
* અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે 'જી-સફલ' (G-SAFL) યોજના લોન્ચ કરાઈ.
૩. આરોગ્ય અને શિક્ષણ:
* પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી સહાય ₹ ૫ લાખથી વધારીને ₹ ૧૦ લાખ કરવામાં આવી.
* ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું, અત્યાર સુધીમાં ૧.૧૫ કરોડ કાર્ડ જારી કરાયા.
* રાજ્યમાં માતા મૃત્યુ દરમાં ૫૦% અને બાળમૃત્યુ દરમાં ૫૭.૪૧%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો.
* મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત ૧૩,૩૫૩ નવા વર્ગખંડો, ૨૧,૦૦૦ નવી કમ્પ્યુટર લેબ્સ અને ૧,૦૯,૦૦૦ નવા સ્માર્ટ ક્લાસરૂમ્સનું કાર્ય પૂર્ણ થયું.
* શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ અટકાવવા માટે શિક્ષણ વિભાગે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલી કરી.
૪. શાંતિ અને સુરક્ષા:
* ગુનાખોરી પર નિયંત્રણ લાવવા ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, ૨૦૨૪ અમલી કરાયો.
* છેલ્લા ૩ વર્ષોમાં ગુજરાત પોલીસે ₹ ૫૪૨૬.૨૫ કરોડની કિંમતનું ૬૫,૭૮૯.૭૪ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું.
* વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ૭,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરાયા, જેણે છેલ્લા ૩ વર્ષમાં ૧૪,૦૦૦થી વધુ કેસોના નિરાકરણમાં મદદ કરી.
* રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે પ્રોજેક્ટ ‘GP-DRASTI’ (ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ) શરૂ કર્યો.
૫. સ્પોર્ટ્સ અને શહેરી વિકાસ:
* ગુજરાતને કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
* વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું.
* અમદાવાદ મેટ્રો ફેઝ-૨નું લોકાર્પણ સપ્ટેમ્બર ૨૦૨૪માં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું.
* સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ હેઠળ અમદાવાદ ભારતનું નંબર ૧ સ્વચ્છ શહેર અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪માં સુરત દેશભરમાં પ્રથમ જાહેર થયું.
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, શિક્ષણ, અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને આજે તે વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે, તેમ માહિતી ખાતાની એક યાદીમાં જણાવાયું છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
