News of Friday, 12th December 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું ૯૧ વર્ષની વયે નિધન : લાતૂરમાં વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
લાતૂર લોકસભા બેઠક પરથી સતત સાત વખત વિજેતા બનેલા શિવરાજ પાટીલ ચકુરકર ૧૯૯૧ થી ૧૯૯૬ દરમિયાન લોકસભાના સ્પીકર રહ્યા હતા : ૨૦૦૮ના મુંબઈ હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી પદેથી આપ્યું હતું રાજીનામું

લાતૂર, તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલ ચકુરકરનું આજે શુક્રવાર (૧૨ ડિસેમ્બર)ના રોજ લાતૂરમાં ૯૧ વર્ષની વયે નિધન થયું છે. લાંબી બીમારીના કારણે ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે આજે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે લાતૂરમાં તેમના નિવાસસ્થાન "દેવવર" ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
શિવરાજ પાટીલ ચકુરકર ભારતીય રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ અને અનુભવી વ્યક્તિ તરીકે જાણીતા હતા. તેઓ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા હતા અને તેમણે અનેક કેન્દ્રીય મંત્રી પદો પર કામ કર્યું હતું. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન અને મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.
રાજકીય કારકિર્દી:
* શિવરાજ પાટીલ મહારાષ્ટ્રના લાતૂર નજીકના ચકુરના એક પ્રભાવશાળી કોંગ્રેસ નેતા હતા.
* તેઓ સૌપ્રથમ ૧૯૮૦ માં લાતૂરથી લોકસભા માટે ચૂંટાયા હતા અને ૧૯૯૯ સુધી સતત સાત ચૂંટણી જીતીને લોકસભામાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
* તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં મહત્ત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સંભાળી હતી.
* તેઓ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી લોકસભાના સ્પીકર રહ્યા હતા અને દેશ-વિદેશની ઘણી પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
* ૨૦૦૪ માં લોકસભાની ચૂંટણી હારવા છતાં, તેમને સોનિયા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં ગૃહમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.
* જોકે, ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા પછી સુરક્ષામાં થયેલી ચૂક બદલ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું આપી દીધું હતું.
કોંગ્રેસ પક્ષ અને તેના તમામ કાર્યકર્તાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
