<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

તિરુપતિ મંદિરમાં હવે દુપટ્ટા કૌભાંડ: ૩૫૦નો પોલિએસ્ટર દુપટ્ટો ૧૩૦૦માં પધરાવ્યો, ૫૪ કરોડનું કૌભાંડ

વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ભેળસેળના વિવાદ બાદ હવે ભક્તો સાથે છેતરપિંડીનું નવું કૌભાંડ સામે આવ્યું છે. અહીં ભક્તોને પ્રસાદી રૂપે વેચવામાં આવતા રેશમી દુપટ્ટા (સિલ્ક વસ્ત્ર) ખરેખર પોલિએસ્ટરના હોવાનું ખુલ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં આ કૌભાંડ દ્વારા ૫૪ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.

મંદિર પ્રશાસન અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ચાલતા આ ગોરખધંધાની વિગતો ચોંકાવનારી છે. તપાસમાં બહાર આવ્યું છે કે જે દુપટ્ટા 'શુદ્ધ સિલ્ક' કહીને ભક્તોને ૧,૩૦૦ રૂપિયામાં વેચવામાં આવતા હતા, તે વાસ્તવમાં સસ્તા પોલિએસ્ટર મટિરિયલમાંથી બનેલા હતા, જેની કિંમત માત્ર ૩૫૦ રૂપિયા જેટલી થાય છે. આમ, દરેક દુપટ્ટા પર શ્રદ્ધાળુઓ પાસેથી અનેકગણી કિંમત વસૂલવામાં આવતી હતી.

અહેવાલો અનુસાર, આ કૌભાંડ છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યું હતું અને તેમાં અંદાજે ૫૪ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન અને શ્રદ્ધાનો ભંગ થયો છે. લાડુમાં પ્રાણીની ચરબીના વિવાદ બાદ હવે વસ્ત્ર પ્રસાદમાં પણ નકલી માલ પધરાવવાની ઘટનાએ ભક્તોની લાગણી દુભાવી છે. મંદિર પ્રશાસન પર હવે પારદર્શિતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે.

(9:53 AM IST)