<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સંસદનું શિયાળુ સત્ર: પ્રદૂષણના મુદ્દે રાહુલ ગાંધીની ચિંતા પર સરકાર સહમત, પરંતુ 'સનાતન' ટિપ્પણી પર લોકસભામાં ભારે હોબાળો: ૨ વાગ્યા સુધી ગૃહ સ્થગિત

 * લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયુ પ્રદૂષણને 'રાષ્ટ્રીય કટોકટી' ગણાવી, સરકારે ચર્ચાની તૈયારી બતાવી.

 * ભાજપના સાંસદે એક રાજ્યને 'સનાતન વિરોધી પ્રતીક' ગણાવતા વિપક્ષનો હોબાળો, ગૃહની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.

 * રાજ્યસભામાં ૨૦૦૧ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

 * ગૃહમાં તૃણમૂલના સાંસદો દ્વારા ઈ-સિગારેટ પીવા મામલે અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી.

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના દસમા દિવસે શુક્રવારે ગૃહમાં ગંભીર ચર્ચા અને રાજકીય હોબાળો બંને જોવા મળ્યું હતું. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ પૂર્વ સ્પીકર શિવરાજ પાટીલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્નકાળ અને શૂન્યકાળ દરમિયાન જનહિતના મુદ્દાઓ અને રાજકીય આક્ષેપબાજીને કારણે વાતાવરણ ગરમાયું હતું.

રાહુલ ગાંધીએ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો: 'આ વિચારધારાની લડાઈ નથી'

શૂન્યકાળ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધતા જતા વાયુ પ્રદૂષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આપણા દેશના મોટાભાગના મુખ્ય શહેરો હાલ ઝેરી હવાના આવરણ હેઠળ જીવી રહ્યા છે. લાખો બાળકો ફેફસાંની બીમારીઓનો ભોગ બની રહ્યા છે અને તેમનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે."

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, "આ કોઈ વિચારધારા કે રાજકીય પક્ષનો મુદ્દો નથી. મને ખાતરી છે કે આ બાબતે સરકાર અને વિપક્ષ વચ્ચે સંપૂર્ણ સહમતી સધાશે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવો પડશે."

સરકારનો હકારાત્મક પ્રતિસાદ

રાહુલ ગાંધીના પ્રસ્તાવનો જવાબ આપતાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, "વિપક્ષના નેતાએ એક સૂચન કર્યું છે અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા કાર્ય મંત્રણા સમિતિમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સરકાર પહેલા દિવસથી જ સ્પષ્ટ છે કે તે ચૂંટણી સુધારા અને મતદાર યાદી સુધારણા સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. પ્રદૂષણના મુદ્દે પણ માળખાગત રીતે ચર્ચા કરવામાં આવશે."

'સનાતન' ટિપ્પણી પર હોબાળો અને કાર્યવાહી સ્થગિત

એક તરફ પ્રદૂષણ પર રચનાત્મક ચર્ચાનો સંકેત મળ્યો હતો, તો બીજી તરફ એક રાજકીય નિવેદને ગૃહનું વાતાવરણ ડહોળી નાખ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, "એક રાજ્ય સનાતન વિરોધી પ્રવૃત્તિનું પ્રતીક બની ગયું છે." આ નિવેદન બાદ વિપક્ષી સાંસદોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ વેલમાં આવી ગયા હતા. હોબાળાને કારણે સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

રાજ્યસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ

બીજી તરફ, રાજ્યસભામાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સુરક્ષાકર્મીઓને યાદ કરીને મૌન પાળવામાં આવ્યું હતું અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સંસદમાં ઈ-સિગારેટનો વિવાદ

આ અગાઉ ગુરુવારે લોકસભામાં એક વિચિત્ર ઘટના બની હતી. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ગૃહની અંદર ઈ-સિગારેટ પી રહ્યા હતા અને ધુમાડો કાઢી રહ્યા હતા. આ ગંભીર બાબતની નોંધ લેતા સ્પીકરે ખાતરી આપી હતી કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે.

 

(2:58 PM IST)