News of Friday, 12th December 2025
ઓસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલેન્ડમાં એક સ્કાયડાઇવર માંડ-માંડ બચી શક્યો : સ્કાયડાઇવર 15,000 ફૂટની ઊંચાઈથી કૂદવાનો હતો ત્યારે તેનું રિઝર્વ પેરાશૂટ અચાનક વિમાનની પૂંછડીમાં ફસાઈ ગયુ : દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા
સ્કાયડાઇવરની ટક્કરથી વિમાનના ડાબા સ્ટેબિલાઇઝરને પણ નુકસાન : અચાનક વિમાન ઉપર તરફ ઝુકાવ્યું અને હવાની ગતિમાં ઘટાડો થયો : અંદર રહેલા 13 સ્કાયડાઇવર્સ ગભરાઈ ગયા અને તરત જ કૂદી પડ્યા, બે અન્ય લોકો પાછળ લટકતા સ્કાયડાઇવરને બચાવવા માટે રાહ જોઈ રહ્યા

નવી દિલ્હી તા.૧૨ : ઓસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલેન્ડમાં એક સ્કાયડાઇવર માંડ-માંડ બચી શક્યો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સ્કાયડાઇવર 15,000 ફૂટની ઊંચાઈથી કૂદવાનો હતો ત્યારે તેનું રિઝર્વ પેરાશૂટ અચાનક વિમાનની પૂંછડીમાં ફસાઈ ગયું. આ ઘટનાનો વીડિયો એટલો ભયાનક છે કે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
દરવાજા પરથી કૂદકો મારતા પહેલા પેરાશૂટ ફસાઈ ગયું
સ્કાયડાઇવર વિમાનના દરવાજા પાસે કૂદવાની તૈયારીમાં ઉભો હતો. જેમ-જેમ તે બહાર નીકળ્યો, રિઝર્વ પેરાશૂટનું હેન્ડલ વિમાનના આંશિક રીતે ખુલ્લા ફ્લેપમાં ફસાઈ ગયું, જેના કારણે પેરાશૂટ અચાનક ખુલી ગયું. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર પેરાશૂટ ઝડપથી હવામાં ફેલાયું, વિમાનની પૂંછડીમાં ફસાઇ ગયું. જેના કારણે સ્કાયડાઇવર ઝડપથી આગળ વધતા વિમાનની પાછળ હવામાં લટકતો રહ્યો.
સ્કાયડાઇવરની ટક્કરથી વિમાનના ડાબા સ્ટેબિલાઇઝરને પણ નુકસાન થયું. પાઇલટ તેની પાછળ શું થયું તે જાણતો ન હતો, તેને અચાનક વિમાન ઉપર તરફ ઝુકાવ્યું અને હવાની ગતિમાં ઘટાડો થયો. ATSB અનુસાર અંદર રહેલા 13 સ્કાયડાઇવર્સ ગભરાઈ ગયા અને તરત જ કૂદી પડ્યા, જ્યારે બે અન્ય લોકો પાછળ લટકતા સ્કાયડાઇવરને બચાવવા માટે રાહ જોઈ રહ્યા હતા.
11 દોરડા કાપ્યા પછી મુખ્ય પેરાશૂટ ખુલ્યું
લટકતા સ્કાયડાઇવરે ખૂબ જ મુશ્કેલીથી છરી કાઢી અને રિઝર્વ પેરાશૂટની 11 લાઇન કાપી નાખી. દોરડા તૂટતાં જ તેનું પેરાશૂટ ખુલ્યું અને તે વિમાનથી અલગ થઈ ગયો. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર તેણે પછી તેનું મુખ્ય પેરાશૂટ ખુલ્યું અને સુરક્ષિત રીતે ઉતર્યો, તેને ફક્ત નાની ઇજાઓ થઈ. તેની બહાદુરી અને હોશયારીથી તે આ જીવલેણ પરિસ્થિતિમાંથી બચાવ્યો.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
