"તો શું આપણે બધા ચંદ્ર પર રહેવા જઈએ?" ભૂકંપના ઉચ્ચ જોખમ અંગેની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટનો કટાક્ષ
ભારતીય વસ્તીના ૭૫% હિસ્સા પર ભૂકંપની તલવાર લટકી રહી હોવાનો અરજદારનો દાવો; કોર્ટે તેને 'સરકારનો નીતિગત મામલો' ગણાવી હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી, તા. ૧૨ : દેશની સર્વોચ્ચ અદાલતમાં શુક્રવારે એક વિચિત્ર અરજી પર સુનાવણી થઈ, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં છે. અરજદારે અધિકારીઓને ભૂકંપથી થતા નુકસાનને ઘટાડવા માટે વ્યવસ્થા કરવા નિર્દેશો આપવાની માંગણી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દેતા કટાક્ષમાં પૂછ્યું, "તો આપણે બધાને ચંદ્ર પર સ્થાનાંતરિત કરવા જોઈએ કે ક્યાં?"
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ રૂબરૂ હાજર રહેલા અરજદારે જણાવ્યું હતું કે પહેલા માત્ર દિલ્હીને ઉચ્ચ ભૂકંપ ઝોનમાં ગણવામાં આવતું હતું, પરંતુ તાજેતરના તારણો મુજબ ૭૫ ટકા ભારતીય વસ્તી તેના હેઠળ આવે છે. અરજદારે તાજેતરમાં જાપાનમાં આવેલા મોટા ભૂકંપનો ઉલ્લેખ કરીને ભારતમાં પણ વ્યવસ્થા કરવા માટે દલીલ કરી હતી.
આના પર બેન્ચે કટાક્ષ કરતા કહ્યું, "પહેલા આપણે આ દેશમાં જ્વાળામુખી લાવવા પડશે પછી આપણે તેની તુલના જાપાન સાથે કરી શકીએ છીએ." જ્યારે અરજદારે ભૂકંપ આવે તો ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે અધિકારીઓએ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો હાથ ખંખેરી લીધો.
બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ બધી નીતિગત બાબતો છે, જેની સરકારે કાળજી લેવી જોઈએ. "તે સરકારનું કામ છે; આ કોર્ટ તે કરી શકતી નથી. ફગાવી દેવામાં આવ્યું," બેન્ચે અરજીને તત્કાળ ફગાવી દીધી. અરજદારે કેટલાક મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કર્યો ત્યારે પણ કોર્ટે અવલોકન કર્યું કે, "આ અખબારના અહેવાલો છે. અમને તેમની કોઈ ચિંતા નથી." આમ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે તે સરકારના નીતિગત અને વ્યવસ્થાપન સંબંધિત ક્ષેત્રમાં હસ્તક્ષેપ નહીં કરે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
