News of Saturday, 13th December 2025
ઈરાને ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું
ભારતીય ક્રૂ મેમ્બર્સ છે સવારઃઅધિકારીએ એમ પણ કહ્યું કે, જહાજને રોકવા જતા પહેલા પોતાની તમામ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી

ઈરાન, તા.૧૩
ઈરાને ઓમાનની ખાડીમાં એક ઓઈલ ટેક્નરને જપ્ત કરી લીધું છે. ઈરાની મીડિયાએ શનિવારે સવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓઇલ ટેક્નરમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશના ૧૮ ક્રૂ મેમ્બર સવાર હતા.
ઈરાનની અર્ધસરકારી ફોર્સ ન્યૂઝ એજન્સીએ હોર્મોજગાનના દક્ષિણ પ્રાંતના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે, ઓમાન દરિયા કિનારા નજીક ૬૦ લાખ લીટર ગેરકાયદે ડીઝલ ઈંધણ લઈ જઈ રહેલા એક ઓઈલ ટેક્નરને કબજામાં લેવાયું છે. અધિકારીએ એમ પણ કહ્યું કે, જહાજને રોકવા જતા પહેલા પોતાની તમામ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી.
ઈરાની સેના નિયમિત રીતે તે જહાજોને રોકવાની જાહેરાત કરે છે, જે અંગે તેઓ કહે છે કે તે ખાડીમાં ગેરકાયદે ઈંધણ લઈ જઈ રહ્યા છે. ઈરાનમાં છૂટક ઈંધણના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે, જેને લઈને બીજા દેશોમાં સ્મગલિંગ કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે. ગત મહિને જ ઈરાની અધિકારીઓએ વધુ એક ટેક્નરને જપ્ત કર્યું હતું, જેમાં એક ગેરકાયદે કાર્ગો હોવાનો દાવો કરાયો હતો. જોકે, ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્યવાહી કોઈ દેશ સાથે બદલો લેવાની ભાવના નથી.
ઈરાનના આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બરમાં તેણે હોર્મુઝ જલડમરૃમધ્યમાં માર્શલ આઇલેન્ડ્સના ઝંડા વાળા ટેક્નર તલારાને જપ્ત કર્યું હતું. તેહરાને આરોપ લગાવ્યો હતો કે, આ સિંગાપુર જતા સમયે પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ગેરકાયદે ખેપ લઈ જઈ રહ્યું હતું. આ ઓપરેશન એક કોર્ટના આદેશ બાદ થયું હતું.
ઈરાને આ લેટેસ્ટ કાર્યવાહી અમેરિકા દ્વારા વેનેઝુએલાના દરિયાકાંઠે એક ઓઇલ ટેક્નર જપ્ત કર્યાના બે દિવસ બાદ કરી છે. વોશિંગ્ટને કહ્યું કે, જહાજ હિઝબુલ્લાહ અને ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્ટનું સમર્થન કરનારા પ્રતિબંધિત ઓઇલ નેટવર્કનો ભાગ હતો. અમેરિકન નાણા વિભાગે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર અને હિઝબુલ્લાહ સાથે કથિત કનેક્શન માટે વેનેઝુએલા પર પ્રતિબંધ લગાવાયો હતો. અમેરિકન કોસ્ટગાર્ડે એક હેલિકોપ્ટરથી જહાજ પર ચઢીને તેના પર કબજો કર્યો હતો.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
