બિહારમાં ભ્રષ્ટાચારના મહેલોમાં હવે પાઠશાળા ધમધમશે: ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પાસેથી જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સ્કૂલો શરૂ થશે: નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની જાહેરાત
ઈડી અને સીબીઆઈ દ્વારા ₹૯૫૦ કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી: જેમાં આલીશાન મકાનો અને જમીનોનો સમાવેશ થાય છે: આ મિલકતો હાલમાં બિનઉપયોગી પડી રહી છે અને ધૂળ ખાઈ રહી છે

બિહાર સરકારે ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપતા એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જાહેરાત કરી છે કે ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પાસેથી જપ્ત કરાયેલી સંપત્તિઓને હવે સરકારી શાળાઓમાં ફેરવવામાં આવશે.
કેન્દ્રીય એજન્સીઓ ઈડી અને સીબીઆઈ દ્વારા ચારા કૌભાંડની તપાસ દરમિયાન આરોપીઓની અંદાજિત ₹૯૫૦ કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. જેમાં આલીશાન મકાનો અને જમીનોનો સમાવેશ થાય છે. આ મિલકતો હાલમાં બિનઉપયોગી પડી રહી છે અને ધૂળ ખાઈ રહી છે. બિહાર સરકાર હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ મિલકતોનો કબજો લેશે.
સરકારની યોજના મુજબ, જપ્ત કરાયેલી ઈમારતોનું જરૂરી સમારકામ અને નવીનીકરણ કરવામાં આવશે. ત્યારબાદ ત્યાં ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો માટે સરકારી શાળાઓ, આંગણવાડી કે અન્ય જનહિતના કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જે પૈસા પ્રજાના હતા અને લૂંટાયા હતા, તે હવે શિક્ષણના રૂપમાં પ્રજાને પાછા મળશે. આ નિર્ણયને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ક્રાંતિકારી પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
