News of Monday, 15th December 2025
સંસદમાં ધમાલઃ PM મોદી વિરૂધ્ધ નિવેદન પર નડ્ડા લાલઘુમ
હોબાળોપ આરોપો અને માફીની માંગઃ શિયાળુ સત્રના ૧૧માં દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઃ સોનિયા-રાહુલ માફી માંગોના નારા ગૂંજ્યા ‘પરમાણુ ઉર્જા સુધારા બિલ' રજુ થવા વચ્ચે પ્રદુષણ પર ‘સ્થગિત પ્રસ્તાવ'થી રાજધાનીના સ્વાસ્થ્ય સંકટ પર ધ્યાન કેન્દ્રિતઃ બંને ગૃહ સ્થગિત

નવી દિલ્હી, તા.૧૫: સંસદનું શિયાળુ સત્ર તેના અંતિમ તબક્કામાં પણ ઉગ્ર રાજકીય ટકરાવનું સાક્ષી બની રહ્યું છે. સત્રના ૧૧મા દિવસે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસની તાજેતરની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત ધમકીભર્યા નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યસભામાં જેપી નડ્ડાએ સ્પષ્ટ માંગ કરી કે રાહુલ અને સોનિયા ગાંધીએ રાષ્ટ્રની માફી માંગવી જોઈએ, કારણ કે પીએમ વિરુદ્ધ આવી ટિપ્પણી કરવી અને તેમના મળત્યુની ઇચ્છા કરવી ખૂબ જ નિંદનીય છે. બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ભાજપના આ વલણને સંપૂર્ણપણે પાયાવિહોણું નાટક ગણાવીને આક્ષેપ કર્યો કે ભાજપ કોંગ્રેસની સફળ રેલી અને ભારે જનસંખ્યાથી ડરીને સંસદમાં હોબાળો કરી રહી છે.
સંસદમાં રાજકીય ગરમાવો ચરમસીમા પર હતો ત્યારે જ, દિલ્હી-એનસીઆરમાં વણસી રહેલા પ્રદૂષણ સંકટે તાત્કાલિક રાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું. રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૬૧ની ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે, જે માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, કન્યાકુમારીના લોકસભા સાંસદ વિજય વસંતે બંધારણની કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને સંસદમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે સરકારને તાત્કાલિક રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરવાની અને બિન-આવશ્યક પ્રદૂષણ ફેલાવતી પ્રવળત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને અન્ય તમામ કાર્યોને બાજુએ મૂકીને ચર્ચા કરવા પર ભાર મૂકયો.
એક તરફ, આ રાજકીય અને પર્યાવરણીય હોબાળા વચ્ચે, કેન્દ્ર સરકાર આજે લોકસભામાં પરમાણુ ઉર્જા (સુધારા) બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો ઉદ્દેશ્ય ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશવાની તકો પૂરી પાડવાનો છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેશમાં પરમાણુ ઉર્જાનું ઉત્પાદન વધશે, જે ભારતની વધતી ઉર્જા જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થશે અને ટેકનોલોજીકલ વિકાસને વેગ મળશે. જોકે, ચૂંટણી પંચના SIR અભિયાન, વંદે માતરમ અને અન્ય કોર્પોરેટ કાયદાઓ સંબંધિત બિલો પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે, પરંતુ પ્રદૂષણ અને પીએમ મોદી વિરુદ્ધના નિવેદનના મુદ્દાઓએ એજન્ડા પર હાવી થઈ ગયા છે.
સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે સંસદનું શિયાળુ સત્ર હવે માત્ર કાયદા ઘડવાના મંચ કરતાં વધુ રાજકીય યુદ્ધભૂમિ બની ગયું છે. વિપક્ષો ચ્સ્પ્ અને લોકશાહીના મુદ્દાઓ પર સરકારને ઘેરી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષ વડાપ્રધાનના અપમાનને રાષ્ટ્રીય અપમાન તરીકે રજૂ કરીને વિપક્ષ પાસેથી માફીની માંગ કરી રહ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય સંકટને સંસદમાં પ્રાથમિકતા મળવી એ એક સકારાત્મક પગલું છે, પરંતુ આ વાતાવરણમાં મહત્વપૂર્ણ કાયદાઓ પર રચનાત્મક ચર્ચા થશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
