News of Tuesday, 16th December 2025
ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યહવાર કરે છે
જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્તઃ જલકથામાં આજે રામ અને શ્યામના જીવનકવનની ઝલક મોસ્કોથી આવેલા મહેમાનોનું બંસરીથી સ્વાગત કરે છે તો દુષ્ટ પાડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે, ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ જેવા કાળીયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છેઃ ડો. કુમાર વિશ્વાસ

રાજકોટઃ વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે', તેમ કથા મર્મજ્ઞ અને તત્વચિતક ડો. કુમાર વિશ્વાસે ‘જલકથા' અપને અપને શ્યામ કી'ના પ્રથમ દિવસે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્વચિતક, વિશ્લેષક, કથાકાર અને કવિ ડો. કુમાર વિશ્વાસની વિશ્વમાં સૌથી પહેલી એવી અનોખી 'જલકથા : અપને અપને શ્યામ કી'નો દબદબાભેર મંગલ પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અનેસ્ત્રેત જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડો. કુમાર વિશ્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ જલકથા પૂર્વે જળસંચય વિશે લોકોમાં જાગૃતતા આવે અને જન ભાગીદારી સુદ્રઢ બને એ માટે છેલ્લા ઘણાં દિવસોથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલા રચવામાં આવી હતી. ભાવિ પેઢી અને ભવિષ્યના પાણીદાર સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ડો. કુમાર વિશ્વાસની દ્વારા રામાયણ, મહાભારત અને ભગવત ગીતના વિવિધ પ્રસંગોની પોતીકી અનોખી શૈલીમાં વિસ્તૃત અને સરળ છણાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. પોતાના આગવા અંદાજમાં ડો. કુમાર વિશ્વાસ પૂર્ણપણે ખીલ્યાં હતા અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને તેના ઉકેલમાં ભારતની ભૂમિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.
પાણીનું મહત્વ અને માહાત્મ્ય સમજાવવા ડો. વિશ્વાસે આપેલા તર્કને શ્રાવકો તાળીઓના ગડગડાટથી વારંવાર વધાવી લેતા કથાકારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આજે મંગળવારે તેઓ રામ અને શ્યામના જીવનકવનની તુલનાત્મક વિભાવનાઓ વિવિધ પ્રસંગોના માધ્યમથી કઈ રીતે કરશે તેની આછેરી ઝલક તેઓએ આપી હતી. તેઓએ કથા દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્નો ગીરગંગાના માધ્યમથી પૂછવાનું આહવાન કર્યું હતું અને યુવાનોમાં વ્યાપ્ત અસમંજસને દૂર કરવા તેઓએ તમામ પ્રશ્નોના જવાબો આપવાનો કોલ પણ આપ્યો હતો.
ડો. કુમાર વિશ્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિધ્ધ સ્તોત્ર અધરમ્ મધુરમથી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડો. કુમાર વિશ્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોશભેર જલવિષયક કવિતા ગાન કરતા ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.ત્યારબાદ બાળ ભજાનિક બિરેન કુમાર તેમજ ભજાનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા હતા.(૪૦.૩૦)
રામાવતાર અને કૃષ્ણાવતાર કવિ ડો.કુમાર વિશ્વાસની નજરે
* જગતના પ્રપંચોથી વ્યથિત થયાં બાદ શ્રીરામ જ શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતર્યા
* રામને ષડયંત્રોથી ઘરની બહાર કઢાયા, જ્યારે કૃષ્ણએ ષડયંત્રોને ઘરમાંથી બહાર કાઢ્યા
* રામને બધાએ ભગવાન માન્યા જ્યારે કૃષ્ણએ અર્જુન સહિતના સર્વેને કહ્યું કે હું ભગવાન છું, મારી નિશ્રામાં આવો.
* રામ (શબરીને) માર્ગ પૂછે છે જ્યારે કૃષ્ણ બધાને માર્ગ બતાવે છે.
* રામથી જે જે કાર્ય છૂટ્યું તે કૃષ્ણએ પૂરું કર્યું
* મનુષ્યને રીઝવવા રાગમાં ગવાય છે કૃષ્ણને રીઝવવા અનુરાગમાં ગવાય છે.
* રામ, કૃષ્ણ કોઈ ધર્મના નહીં પણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે.
* સમયની યાત્રા રામથી શરૂ થાય છે અને સમય જ તેને કૃષ્ણ બનાવે છે.
* રામ સપને હે, કૃષ્ણ અપને હૈ, રામ બનવું દુષ્કર છે પણ કૃષ્ણ બનવું સરળ છે.
* કૃષ્ણ રાગી પણ છે અને વૈરાગી પણ છે.
જળ સંરક્ષણ માટેની જલકથાની વૈશ્વિક લેવલે લેવાશે નોંધઃ આજે રચાશે વર્લ્ડ રેકોર્ડ
રાજકોટઃ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની આ જલકથાને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ વિશ્વની પ્રથમ વૈશ્વિક જલકથા - સૌથી મોટા વૈશ્વિક જળ-વિશ્વાસ મેળાવડા તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધશે. આ રેકોર્ડ આજે રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નોંધવામાં આવશે અને તેને જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડો તરીકે માન્યતા અપાશે.
આ ઐતિહાસિક પ્રયાસને પ્રમાણિત કરવા માટે, દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અને નિરીક્ષકો રાજકોટ આવેલા છે, જેમાં IEA (IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) કન્સલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે. આ વર્લ્ડ રેકોર્ડમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ-આંતરરાષ્ટ્રીય, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ એશિયા લેવલ, IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સઇન્ટરનેશનલ/નેશનલ, ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સઇન્ટરનેશનલ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સભારત, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ-ઇન્ટરનેશનલ, અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-ભારતનો સમાવેશ થાય છે.
જલ કથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન હેમંત વ્યાસ, રમેશભાઈ રાણીપા, અમેરિકાના ગીરગંગાના કન્વીનર
હરીશભાઈ માલાણી, રસિકભાઈ ફળદુ, બિલ્ડર ઉમેશભાઈ માલાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલ વાળા દિગ્વિજયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શિવાભાઈ પટેલ, ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના કલ્પેશગીરીબાપુ ગીરગંગા સુરતના કન્વીનર રામજીભાઈ જેતાણી, કચ્છ -ગ્લોબલનના ગોવીંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા નિખિલભાઈ પટેલ, બિલ્ડર બાકીરભાઈ ગાંધી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, ભવાનભાઈ, ડો. સુધીરભાઈ ભીમાણી, પ્રફુલભાઇ ફુલતેરા, પૂર્વ ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, ગોવિંદભાઈ કાકડિયા, કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના વાલજીભાઈ નંદા, પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરીશભાઈ, રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ, સનાતન ગ્રુપ બિલ્ડર્સ, કથાકાર જગતભાઈ તારૈયા, માજી મેયર અશોકભાઈ ડાંગર, મહેશભાઈ ચૌહાણ, રાજકોટ જિલ્લા ભાજપના રાજુભાઈ ધારૈયા ઉપસ્થિત રહેલ.
કવિ ડો.કુમાર વિશ્વાસની અસ્ખલિત વાણીની હાઇલાઇટ્સ
* ગુજરાત હંમેશા એકલા ચાલવામાં વિશ્વાસ નથી રાખતું. બે લોકો જ હંમેશા નેતૃત્વ કરે છે એ પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત હોય.
* ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે તો દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે.
* ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ સરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છે
* રામની મર્યાદા પુરુષોતમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂક્યા હવે આ દેશને આગલા ૧૦૦ વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર છે
* સગર્ભા ધર્મ ગ્રંથો નથી વાંચતી, કૌટુંબિક કલેશવાળી સિરિયલો નિહાળે છે. ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય?
* અટલ બિહારી બાજપાઈ મર્યાદા પુરુષોત્તમની વિચારધારાવાળા હતા જેઓએ સામેથી સત્તા ત્યાગ કર્યો હવે પૂર્ણ પુરુષોત્તમ વિચારધારાવાળા બિરાજમાન છે જેઓ તમામ પ્રપંચો સામે લડીને જાણે કહી રહ્યા છે કે હું શું કામ સત્તા ત્યાગ કરું?
...તો તમે કૃષ્ણ છો..!!
* ૯૯ ગાળો સાંભળવાનું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
* મૃત્યુની ફેણ પર ઊભા રહી નાચી શકો છો તો તમે કૃષ્ણ છો
* સામાન્ય વ્યક્તિના સારથી બનવાનું તમારું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
* રાજા બન્યા પછી પણ સુદામા જેવો સખા રાખી શકો તો તમે કૃષ્ણ છો
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
