<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બેફામ ફાયરિંગ કરી ૧૫ લોકોનો જીવ લેનાર આતંકી સાજિદ અકરમ મૂળ ભારતના હૈદરાબાદનો હોવાનો ઘટસ્ફોટ: તેલંગાણા પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ

હુમલાખોર પિતા સાજિદ અકરમ પાસે ભારતીય પાસપોર્ટ જ્યારે પુત્ર નવીદ અકરમ ઓસ્ટ્રેલિયન નાગરિક: બંને આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતા

સિડની/હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર રવિવારે થયેલા ભીષણ ગોળીબારના પ્રકરણમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ હનુક્કાહ તહેવારની ઉજવણી દરમિયાન થયેલા આ આતંકી હુમલાના તાર ભારતના હૈદરાબાદ સુધી પહોંચ્યા છે. તેલંગાણા પોલીસે સત્તાવાર પ્રેસ નોટ જાહેર કરીને પુષ્ટિ કરી છે કે આ હુમલામાં સામેલ બે મુખ્ય આરોપીઓ પૈકીનો એક સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો વતની છે. આ હુમલામાં ૧૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને પોલીસે જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોરને ઠાર કર્યો હતો.

 

*પિતા-પુત્રની જોડીએ કર્યો આતંકી હુમલો*

 

ઓસ્ટ્રેલિયન પોલીસ અને સરકાર દ્વારા આ ઘટનાને આતંકવાદી હુમલો ગણવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોરો પિતા અને પુત્ર હતા. જેમાં ૫૦ વર્ષીય સાજિદ અકરમ અને તેનો ૨૪ વર્ષીય પુત્ર નવીદ અકરમ સામેલ છે. પોલીસ રિપોર્ટ અનુસાર આ બંને ઈસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસની વિચારધારાથી પ્રભાવિત હતા અને કટ્ટરપંથી બની ગયા હતા.

 

હૈદરાબાદથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર

 

તેલંગાણા પોલીસની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો છે. તેણે હૈદરાબાદમાં જ બીકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ રોજગારીની શોધમાં લગભગ ૨૭ વર્ષ પહેલા એટલે કે નવેમ્બર ૧૯૯૮માં તે ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો હતો. ત્યાં તેણે યુરોપિયન મૂળની મહિલા વેનેરા ગ્રોસો સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર નવીદ અને એક પુત્રી છે. નોંધનીય બાબત એ છે કે સાજિદ અકરમ આજે પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે, જ્યારે તેના બંને સંતાનોનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હોવાથી તેઓ ઓસ્ટ્રેલિયન નાગરિક છે.

 

પરિવાર સાથે સંબંધો અને ભારત મુલાકાત

 

સાજિદ અકરમના હૈદરાબાદમાં રહેતા સંબંધીઓ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા ૨૭ વર્ષમાં સાજિદનો તેના ભારતીય પરિવાર સાથે સંપર્ક ખૂબ જ મર્યાદિત હતો. ઓસ્ટ્રેલિયા ગયા બાદ તે માત્ર ૬ વખત ભારત આવ્યો હતો, જે મુખ્યત્વે મિલકતને લગતા કામો અથવા વૃદ્ધ માતા-પિતાને મળવા પૂરતી મુલાકાતો હતી. તેની ઉદાસીનતા એ વાત પરથી જાણી શકાય છે કે તેના પિતાના અવસાન સમયે પણ તે ભારત આવ્યો ન હતો.

 

કટ્ટરપંથી વિચારધારામાં ભારતનું કોઈ કનેક્શન નહીં

 

તેલંગાણા પોલીસે સ્પષ્ટતા કરી છે કે સાજિદ અને તેના પુત્રના કટ્ટરપંથી બનવા પાછળ ભારત અથવા તેલંગાણાનો કોઈ જ હાથ કે પ્રભાવ નથી. તેમના રેડિકલાઈઝેશનના કારણો વિદેશી ધરતી પરના હોય તેવું જણાય છે. સાજિદ ૧૯૯૮માં ભારત છોડી ગયો તે પહેલા હૈદરાબાદમાં તેની સામે કોઈ પણ પ્રકારનો ગુનો કે પોલીસ કેસ નોંધાયેલ નથી. તેનો રેકોર્ડ સંપૂર્ણ સ્વચ્છ હતો. પરિવારજનોએ પણ જણાવ્યું છે કે સાજિદની આવી પ્રવૃત્તિઓ કે માનસિકતા વિશે તેમને કોઈ જ જાણકારી ન હતી.

 

તપાસ એજન્સીઓ સાથે સહકાર

 

હાલમાં તેલંગાણા પોલીસ આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને અન્ય વિભાગો સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે. પોલીસે મીડિયા અને જનતાને અપીલ કરી છે કે જ્યાં સુધી કોઈ નક્કર તથ્યો સામે ન આવે ત્યાં સુધી અટકળો કે અફવાઓ ફેલાવવી નહીં. ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે.

(6:34 PM IST)