News of Tuesday, 16th December 2025
IPL ઓક્શનમાં ઈતિહાસ રચાયો: કેમેરોન ગ્રીન ₹૨૫.૨૦ કરોડમાં વેચાઈને બન્યા IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી!
અબુ ધાબીમાં મિની ઓક્શનમાં ધનવર્ષા: મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો; KKR અને CSK વચ્ચેની જબરદસ્ત બિડિંગ વોરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે બાજી મારી

અબુ ધાબી:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ માટે અબુ ધાબીમાં આયોજિત મિની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કરોડો રૂપિયાની ધનવર્ષા કરવામાં આવી છે. ગ્રીનને ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) દ્વારા અધધ ₹૨૫.૨૦ કરોડ ની જંગી રકમમાં ખરીદવામાં આવ્યો છે.
આ સાથે, કેમેરોન ગ્રીન IPL ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયા છે, જેમણે પોતાના જ દેશના ખેલાડી મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેને KKR એ IPL ૨૦૨૪ની હરાજીમાં ₹૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. જોકે, IPLના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ હજી પણ ભારતના રિષભ પંત (₹૨૭ કરોડ)ના નામે છે.
KKR અને CSK વચ્ચે રોમાંચક જંગ: કેમેરોન ગ્રીનની બોલીની શરૂઆત તેની બેઝ પ્રાઈઝ ₹૨ કરોડથી મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ કરી હતી. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સ (RR) અને KKR વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, જ્યાં બોલી ₹૮ કરોડને પાર કરી ગઈ.
પરંતુ અસલી જંગ ત્યારે શરૂ થઈ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ₹૧૩.૮ કરોડની બોલી લગાવીને એન્ટ્રી કરી.
તીવ્ર હરીફાઈ: KKR અને CSK વચ્ચે બિડિંગ વોર એટલી ઝડપી થઈ કે ટેબલ પરનું કેલ્ક્યુલેટર પણ પાછળ પડી ગયું.
અંતિમ વિજય: બોલી ઝડપથી વધીને ₹૨૪ કરોડને પાર કરી ગઈ, પરંતુ CSK હાર માનવા તૈયાર નહોતી. અંતે, KKR એ ₹૨૫.૨ કરોડ ની ઐતિહાસિક બોલી લગાવી અને ચેન્નાઈ સુપર કિંગ્સને હાર માનવા માટે મજબૂર કરી દીધી.
ગ્રીનનો પ્રભાવશાળી IPL રેકોર્ડ: કેમેરોન ગ્રીને IPLમાં ડેબ્યૂ વર્ષ ૨૦૨૩માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે કર્યું હતું. પોતાના પહેલા જ સિઝનમાં તેણે ૪૫૨ રન બનાવ્યા હતા અને ૬ વિકેટ પણ લીધી હતી. IPL ૨૦૨૪ પહેલા તેને MI દ્વારા ₹૧૭.૫ કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને ટ્રેડ કરવામાં આવ્યો હતો. જોકે, પીઠની સર્જરીને કારણે ગ્રીને IPL ૨૦૨૫ના મેગા ઓક્શનમાં ભાગ લીધો નહોતો. હવે તે સંપૂર્ણપણે ફિટ છે અને આ મોટી રકમ સાથે KKR માટે ધમાલ મચાવવા ઉત્સુક છે
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
