<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

'મનરેગા' વિરુદ્ધ 'VB-G RAM G' બિલ પર રાષ્ટ્રીય રાજકારણમાં ઘમસાણ: રાહુલ ગાંધીએ કહ્યું- "આ મહાત્મા ગાંધીનું અપમાન અને ગરીબોની આજીવિકા ખતમ કરવાનું કાવતરું છે"

વિપક્ષનો આરોપ: મોદી સરકાર 'મનરેગા'માંથી બાપુનું નામ હટાવીને તમામ સત્તા કેન્દ્રમાં કેન્દ્રિત કરવા માંગે છે; નવો કાયદો રાજ્યો પર નાખશે ૪૦% ખર્ચનો બોજ

નવી દિલ્હી: સંસદમાં કેન્દ્રની નરેન્દ્રભાઈ  મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ગ્રામીણ રોજગાર બિલને લઈને મોટો રાજકીય સંઘર્ષ શરૂ થયો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) નું સ્થાન લેવા માટે રજૂ કરાયેલા 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, ૨૦૨૫' (VB-G RAM G) પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીનો સીધો પ્રહાર: 'મોદીજીને બે વસ્તુઓથી નફરત': રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર સીધો નિશાન સાધતા કહ્યું કે, તેમને હંમેશાં મહાત્મા ગાંધીના વિચારો અને ગરીબોના અધિકારો પ્રત્યે 'ઊંડી નફરત' રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે MGNREGA, જે કરોડો ગ્રામીણોની જીવનરેખા અને કોવિડ દરમિયાન આર્થિક સુરક્ષા કવચ બની હતી, તેનાથી વડાપ્રધાન મોદી હંમેશા ચીઢાયેલા રહ્યા છે.
"વડાપ્રધાન મોદી આ યોજનાથી હંમેશા ચિઢતા રહ્યા છે અને છેલ્લા ૧૦ વર્ષથી તેને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેઓ મનરેગાને સંપૂર્ણપણે ખતમ કરવા પર તુલ્યા છે. આ મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન અને ગ્રામીણ ગરીબોની સુરક્ષિત આજીવિકાને ખતમ કરવાનો પ્રયાસ છે."
બિલના કાયદાઓ પર સવાલો: રાહુલ ગાંધીએ નવા બિલના કાયદાઓની ટીકા કરતાં દાવો કર્યો કે વડાપ્રધાન મોદી તમામ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવા માંગે છે.
સત્તાનું કેન્દ્રીકરણ: નવા બિલમાં બજેટ, યોજના અને નિયમો કેન્દ્ર સરકાર નક્કી કરશે.
રાજ્યો પર બોજ: આ બિલ હેઠળ રાજ્યોને ૪૦% ખર્ચ ઉઠાવવા માટે મજબૂર કરવામાં આવશે.
રોજગારમાં વિલંબ: તેમણે દાવો કર્યો કે જેવા બજેટનો અંત આવશે અથવા પાકની કાપણીની મોસમ આવશે, તેવા બે મહિના સુધી કોઈને કામ નહીં મળે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પક્ષ આ 'જનવિરોધી' બિલનો ગામની ગલીઓથી લઈને સંસદ સુધી વિરોધ કરશે.
સરકારનો પક્ષ અને નવા બિલના દાવા: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષની ભારે નારેબાજી વચ્ચે લોકસભામાં VB-G RAM G બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું. સરકારનો દાવો છે કે આ કાયદો 'વિકસિત ભારત ૨૦૪૭' ના લક્ષ્યને અનુરૂપ એક આધુનિક માળખું સ્થાપિત કરશે. બિલ એક નાણાકીય વર્ષમાં ગ્રામીણ પરિવારોને ૧૨૫ દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી પ્રદાન કરશે. મંત્રાલય મુજબ, આ કાયદાનો ઉદ્દેશ્ય જળ સુરક્ષા, મુખ્ય ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને આજીવિકા સંબંધિત કાર્યો દ્વારા રોજગાર અને ટકાઉ સંપત્તિ બંનેનું નિર્માણ કરવાનો છે

(7:45 PM IST)