<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત સાથે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટની અવરજવર ધીમી પડી શકે છે અને મુસાફરોએ એરપોર્ટ નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું: ઈન્ડિગો

દિલ્હી એરપોર્ટ પર સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય: ૧૨૬ ફ્લાઈટ રદ થતા હજારો મુસાફરો રઝળી પડ્યા: બપોર પછી એરપોર્ટ પર આવતી ફ્લાઈટનું સંચાલન થાળે પડ્યું, પરંતુ દિલ્હીથી ઉપડતી ફ્લાઈટમાં સરેરાશ ૩૫ મિનિટનો વિલંબ: ગઈકાલે સોમવારે ૨૨૮ ફ્લાઈટ રદ થયા બાદ મંગળવારે પણ વિમાન વ્યવહાર ખોરવાયો: ઈન્ડિગો એરલાઈન્સની ૧૧૦ ફ્લાઈટ કેન્સલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે વિમાન વ્યવહાર પર માઠી અસર પડી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે પણ વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઈટ ઓપરેશનમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. પ્રાપ્ત થતી લેટેસ્ટ વિગતો મુજબ મંગળવારે કુલ ૧૨૬ ફ્લાઈટ રદ કરવામાં આવી છે જેમાં દિલ્હી આવતી અને દિલ્હીથી ઉપડતી બંને ફ્લાઈટનો સમાવેશ થાય છે.

 

*આવતી અને જતી ફ્લાઈટ પર અસર*

 

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે મંગળવારે સાંજ સુધીમાં કુલ ૧૨૬ ફ્લાઈટ રદ કરવી પડી હતી. જેમાં દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરતી ૭૭ ફ્લાઈટ અને અહીંથી ઉડાન ભરતી ૪૯ ફ્લાઈટનો સમાવેશ થાય છે. 

 

સતત બીજા દિવસે ફ્લાઈટ રદ થતા એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી અને અનેક લોકો અટવાઈ પડ્યા હતા.

 

*ઈન્ડિગોની ૧૧૦ ફ્લાઈટ રદ*

 

દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગો પર આ ધુમ્મસની સૌથી વધુ અસર જોવા મળી હતી. ઈન્ડિગો દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ ખરાબ હવામાનને કારણે નેટવર્ક પરની તેમની કુલ ૧૧૦ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. એરલાઈને સોશિયલ મીડિયા પર એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત સાથે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટની અવરજવર ધીમી પડી શકે છે અને મુસાફરોએ એરપોર્ટ નીકળતા પહેલા ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું.

 

*સોમવારે ૨૨૮ ફ્લાઈટ રદ થઈ હતી*

 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગઈકાલે સોમવારે પણ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી જેના કારણે સોમવારે કુલ ૨૨૮ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં સેંકડો ફ્લાઈટ રદ થતા હવાઈ મુસાફરી કરતા લોકો માટે મોટી મુસીબત ઉભી થઈ છે.

 

*બપોર બાદની સ્થિતિ*

 

મંગળવારે બપોર પછી ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ એરપોર્ટ પર આવતી ફ્લાઈટનું સંચાલન થોડું થાળે પડ્યું હતું પરંતુ દિલ્હીથી ઉપડતી ફ્લાઈટમાં સરેરાશ ૩૫ મિનિટનો વિલંબ જોવા મળ્યો હતો. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઓપરેશન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે પરંતુ હજુ પણ અમુક ફ્લાઈટ પર અસર પડી શકે છે તેથી મુસાફરોએ એરલાઈન્સના સંપર્કમાં રહેવું.

(8:19 PM IST)