<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જમ્મુના ઉધમપુરમાં આતંકીઓ સાથેની અથડામણમાં પોલીસ જવાન અમજદ અલી શહીદ: સુરક્ષાદળો દ્વારા જંગલમાં વ્યાપક સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી નલિન પ્રભાત સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ સામે લડતા જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ અમજદ અલી ખાને શહાદત વહોરી છે. આ ઘટના બાદ સેના, સીઆરપીએફ અને પોલીસની સ્પેશિયલ ટીમોએ આખા વિસ્તારને ઘમરોળવાનું શરૂ કર્યું છે. શહીદ જવાનની બહાદુરીને સલામ કરતા પોલીસ વિભાગે કહ્યું છે કે 'હીરોઝ નેવર ડાઈ' - વીર ક્યારેય મરતા નથી.

 

વિગતવાર સમાચાર જોઈએ તો, ઉધમપુર જિલ્લાના મઝાલતા વિસ્તારમાં આવેલા સોન ગામના જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે સોમવારે આતંકીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ ગોળીબારમાં પોલીસ કોન્સ્ટેબલ અમજદ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેઓ શહીદ થયા હતા. આ અથડામણમાં અન્ય બે પોલીસકર્મીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં એક આતંકવાદી પણ ઘાયલ થયો હોવાના અહેવાલ છે.

 

શહીદ અમજદ અલી ખાને અદમ્ય સાહસ દાખવીને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સામનો કર્યો હતો. હાલમાં આ વિસ્તારમાં સેના, સીઆરપીએફ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા સ્નિફર ડોગ્સની મદદથી મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી નલિન પ્રભાત સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

 

ઉલ્લેખનીય છે કે, ૧૬ ડિસેમ્બરનો દિવસ જમ્મુ પોલીસ માટે બલિદાનનો દિવસ રહ્યો છે; ૧૯૯૫ માં આજ દિવસે ઇન્સ્પેક્ટર અબ્દુલ હમીદ ગનાઈ અને ૨૦૦૨ માં હેડ કોન્સ્ટેબલ સોમ રાજ પણ ફરજ પર શહીદ થયા હતા.

(11:22 PM IST)