<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કાતિલ ઠંડી વચ્ચે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વીજળીનું સંકટ ઘેરું બન્યું: ડિસેમ્બરમાં ૩૪ ટકાની જંગી ઘટ સર્જાતા લોકો પરેશાન

અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કુલ ૩૭૩૭ મેગાવોટ વીજળીની જરૂરિયાત છે

જમ્મુ-કાશ્મીર : ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો પર બેવડો માર પડ્યો છે. ભીષણ ઠંડી વચ્ચે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળીની ભારે અછત સર્જાઈ છે. ડિસેમ્બર માસમાં જ વીજળીની માંગ સામે ૩૪ ટકા જેટલી ઘટ જોવા મળતા જનજીવન પ્રભાવિત થયું છે.

અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ડિસેમ્બર ૨૦૨૫ માટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કુલ ૩૭૩૭ મેગાવોટ વીજળીની જરૂરિયાત છે, જેની સામે માત્ર ૨૪૬૦ મેગાવોટ વીજળી જ ઉપલબ્ધ છે. આમ, સીધી રીતે ૧૨૭૭ મેગાવોટની ખાધ વર્તાઈ રહી છે. શિયાળામાં હીટિંગ લોડ વધવાને કારણે સવાર અને રાત્રિના સમયે વીજળીની માંગ ૩૨૦૦ મેગાવોટની આસપાસ રહે છે, જેને પહોંચી વળવું તંત્ર માટે મુશ્કેલ બન્યું છે.

 

ટેકનિકલ રીતે જોઈએ તો, હાઈડ્રો પાવર જનરેશન ઓછું થવાને કારણે અને વોલ્ટેજમાં ઘટાડો થવાને કારણે આ સમસ્યા વકરી છે. કાશ્મીર ખીણના અનેક સ્ટેશનો પર વોલ્ટેજ લેવલ નિર્ધારિત ધોરણો કરતા ઘણું નીચું જઈ રહ્યું છે. 

 

ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૩૪-૩૫ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વીજળીની માંગમાં ૪૯.૪૨ ટકાનો વધારો થશે. આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માં જ માંગમાં ૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે, ત્યારે હાલની ૩૪ ટકાની ખાધ ચિંતાજનક છે.

(11:24 PM IST)